Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રાજ્યમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

કાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે: સાત અને આઠ ઓગસ્ટે અતિભારે વરસાદ પડવાની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે. આવતીકાલ એટલે કે પાંચમી ઓગસ્ટથી લઈને ગુજરાતમાં વરસાદનું જોર વધશે. સાત અને આઠ ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે.

 સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો વરસાદ પડશે. અમદાવાદ શહેરની વાત કરીએ તો પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આઠમી ઓગસ્ટના રોજ અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી.

5 ઓગસ્ટ, 2022: આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી. આ દિવસે અન્ય કોઈ જિલ્લામાં વરસાદની સંભાવના નહિવત છે.

6 ઓગસ્ટ, 2022: સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

7 ઓગસ્ટ, 2022: આ દિવસે જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

8 ઓગસ્ટ, 2022: આ દિવસે અતિભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ, નવસારી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં વરસાદ: ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 71.10 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 118.12 ટકા ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 58.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 58.05 ટકા, સૌરાષ્ટ્રમાં 62.56 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 83.57 ટકા વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના વિડયામાં 57 એમ.એમ. પડ્યો છે.

(6:24 pm IST)