Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

વડોદરા નેશનલ હાઇવે પર કપુરાઈ ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત

ઓઈલ ભરેલી ટેન્કર લીકેજ થતા હાઈવે તેમજ સર્વિસ રોડ પર ઓઈલ ઢોળાઈ જતા વાહન વ્યવહાર ખોરાવ્યો

વડોદરા શહેરના છેવાડે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં નેશનલ હાઈવે નંબર 8 પર કપુરાઈ ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતને પગલે હાઈવે પર મોટા પ્રમાણમાં વાહન વ્યવહાર ખોરવાતો જોવા મળ્યો હતો.

નેશનલ હાઈવે પર અકસ્માતના કિસ્સા હજી પણ યથાવત્ જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના છેવાડે આવેલા નેશનલ હાઈવે નંબર 8 પર આજે વહેલી સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે ઘડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે પ્લાય ભરેલો ટ્રક સ્થળ પર જ પલટી ખાઈ ગયો હતો. જ્યારે ઓઈલ ભરેલી ટેન્કર લીકેજ થતા હાઈવે તેમજ સર્વિસ રોડ પર ઓઈલ ઢોળાઈ ગયું હતું. રસ્તા પર ઓઈલ ઢોળાઈ જતા વાહન વ્યવહાર ત્યાં જ થંભી ગયો હતો. તેમજ મોટા પ્રમાણમાં વાહન વ્યવહાર પ્રભાવિત થતું જોવા મળી રહ્યું હતું.

નેશનલ હાઈવે પર પ્લાય ભરેલો ટ્રક અને ઓઈલ ભરેલુ ટેન્કર લીકેજ થતા હાઈવે પર ઓઈલ ફરી વળ્યું હતું. જેથી લગભગ એક કિલોમીટર કરતાં પણ વધુ વાહનોની લાઈનો થઈ ગઈ હતી. તેમજ ઓઈલના કારણે રોડ ચીંકણા થઈ જતા વધુ અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બીજી બાજુ અકસ્માત સર્જાતા ટ્રક પલટી મારતા પ્લાય રસ્તા પર વિખેરાઈ ગયું હતું. જ્યારે ઓઈલનો ટેન્કર ચાલક ઘટના સ્થળેથી થોડીક દૂર ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો. જો કે,સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ ટ્રકના ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે આટલા મોટા અકસ્માતની જાણ ટ્રાફિક પોલીસને થતા ફાયર વિભાગની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ટ્રાફિક પોલીસના સ્ટાફ દ્વારા સમગ્ર મામલે તપાસ કરી પ્લાય ભરેલા ટ્રકને તેમજ ટેન્કરને ખસેડી વાહન વ્યવહાર સામાન્ય કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી. જ્યારે હાઈવે પર અકસ્માત સર્જાવાના કારણે લોકોનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. જે હાલ સ્થિર થતું જોવા મળી રહ્યું છે.

આ અંગે ટ્રક ચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેણે નડિયાદથી ગાડી લોડ કરી હતી. ત્યાંથી તે મુંબઈ જઈ રહ્યો હતો. તે સમયે બ્રિજ ઉપર ટેન્કર અમારી ટ્રક સાથે અથડાઈ ગયું હતું. ટેન્કર ચાલક અમારી આગળ હતો. તેણે અચાનક સ્પીડ ઓછી કરી દેતા અમે બ્રેક મારી છતાં ટ્રક અડી જતા અમારી ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી મારી જતા અંદાજે અઢીથી ત્રણ લાખ જેટલું નુકસાન પણ થયું છે.

(7:05 pm IST)