Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

કૃષ્ણા પંડ્યા 1970થી વડોદરામાં કાર્યરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના પહેલા મહિલા સુકાની બન્યા

કોચે ખેલાડી કાળમાં 18 જેટલી નેશનલ સ્પર્ધાઓમાં ભાગ લીધો : ડીસ્ટ્રિક્ટ સ્વિમિંગ કોચના રૂપમાં તેમણે એકસો થી વધુ મેડલ વિનર સ્વિમર તૈયાર કર્યા

વડોદરા :રમત ગમતને વેગ આપવા ગુજરાત સરકારે 1970માં વડોદરામાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના કરી.૫૨ વર્ષમાં 16 સિનિયર કોચે આ કેન્દ્રનું નેતૃત્વ કર્યું જે તમામ પુરુષો હતાં. આમેય વર્ષો સુધી રમતને મેલ ડોમીનેટેડ ફિલ્ડ ગણવામાં આવ્યું અને ખાસ કરીને કોચ તો પુરુષ જ હોય એવી એક માન્યતા ઘર કરી ગઈ હતી. જો કે આજે આ કેન્દ્રમાં વિવિધ રમતોના જે 16 કવોલિફાઈડ કોચિસ્ પ્રશિક્ષણ આપી રહ્યાં છે તેમાં પણ 7 મહિલાઓ છે

2022 માં વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રને પહેલીવાર મહિલા સુકાની કૃષ્ણા પંડ્યા મળ્યા છે જે હાલમાં જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે રમત તાલીમની અને સ્પર્ધાઓના આયોજનની જવાબદારી ઉઠાવી રહ્યાં છે. જોગાનુજોગ આ વર્ષે ગુજરાત 36 મી નેશનલ ગેમ્સ યોજી રહ્યું છે.જેની ચાર રમતો વડોદરામાં રમાવાની છે.તેના આયોજનનો એક મોટો પડકાર આ મહિલા સ્વિમિંગ કોચે ઉઠાવવાનો છે અને તેઓ તેના માટે આત્મ બળથી સુસજ્જ છે.

કૃષ્ણા પંડ્યા જણાવે છે કે વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના17 મા સુકાનીની જવાબદારી થી હું પ્રોત્સાહિત છું અને રમતના વિકાસ અને ખેલાડીઓના ઘડતરમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે હું સંકલ્પ બધ્ધ છું એવો જોશ તેઓ વ્યક્ત કરે છે. સ્વિમિંગ એટલે કે તરણના આ વેલ કવોલીફાઇડ કોચના પહેલા ગુરુ અથવા ગુરુ દ્રોણ એમના પિતા સુભાષ પંડ્યા હતા જેમણે એમને તરતા શીખવ્યું અને સ્વિમર તરીકે એમનું ઘડતર કર્યું. એક તરણ વીરાંગના તરીકે કૃષ્ણાએ 12 રાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓ માં ભાગ લીધો, 4 ટ્રાયથલોન અને 8 ઓપન વોટર સ્વિમિંગ એટલે કે દરિયા કે નદી તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધો જે તમામ માન્ય ફેડરેશન દ્વારા યોજવામાં આવી હતી.તરણના નીવડેલા ખેલાડી તરીકે એમને એન.આઇ.એસ. પટિયાલાના ડિપ્લોમા ઈન સ્પોર્ટ્સ કોચિંગમાં પ્રવેશ મળ્યો.તે પછી એ જ સંસ્થામાં તેમણે માસ્ટર ઈન સ્પોર્ટ્સ સાયન્સ ની અનુસ્નાતક પદવી મેળવી.આ સિદ્ધિ મેળવનારા તેઓ ગુજરાતના પ્રથમ મહિલા છે. .

(7:51 pm IST)