Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ :વડાલીમાં 4 ઈંચ ખાબક્યો: ધનસુરા અને ઈડરમાં બે ઇંચ વરસ્યો

વડાલી, ઇડર અને ધનસુરામાં નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડાલી, ઇડર અને ધનસુરામાં નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.

સવારથી જ બંને જિલ્લામાં છૂટા છવાયા વરસાદ વરસવા બાદ ઈડર અને વડાલીમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વડાલી વિસ્તારમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે ધનસુરા અને ઈડરમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવાર થી ભારે બફારો અનુભવાઈ રહ્યો હતો અને બાદમાં વરસાદ છૂટો છવાયો વરસ્યો હતો. પરંતુ બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ચઢી આવતા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વડાલીમાં અનેક સ્થળે પાણી ભરાઈ જવા પામ્યા હતા.

  વડાલીમાં બપોર બાદ ચાર ઈંચ જેટલો વરસાદ માત્ર ત્રણેક કલાકમાં જ વરસ્યો હતો. ધોધમાર વરસાદ શરુ થતા વડાલીમાં નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. વડાલીમાં અંબાજી-હિંમતનગર સ્ટેટ હાઈવે પર આવેલ સરકારી કચેરીઓના પ્રાંગણમાં પણ પાણી ભરાવા લાગ્યા હતા. મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયત સહિતના વિસ્તારો આગળ પાણી ભરાયા હતા. જ્યારે વડાલીના સમલેશ્વર તળાવમાં એક ખેડૂતનુ ટ્રેક્ટર ફસાઈ ગયુ હતુ. ઈડરમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઈડર શહેરમાં પણ નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. હિંમતનગર શહેરના દક્ષિણ વિસ્તાર અને ગાંભોઈ વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જેને લઈ આ વિસ્તારોમાં પણ પાણી રસ્તાઓ પર ભરાઈ જવા પામ્યા હતા

(8:34 pm IST)