Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

તા.૨૫ મી ઓગષ્ટે નર્મદા જિલ્લાકક્ષાનો “ સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરીમાં યોજાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના પ્રજાજનોના પ્રશ્નોના નિવારણ માટે તા.૨૫/૦૮/૨૦૨૨ ના રોજ કોન્ફરન્સ હોલ, કલેકટરની કચેરી, જિલ્લા સેવા સદન, પ્રથમ માળે, રાજપીપલા–જિ.નર્મદા ખાતે જિલ્લાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ સવારે ૧૧=૦૦ કલાકે રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે તા.૨૪/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૦=૩૦ કલાકે જિલ્લાના નાંદોદ,ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓનો તાલુકા સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ પણ સંબંધિત તાલુકા મામલતદારીની કચેરીમાં અને ગ્રામ્ય સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૦=૩૦ કલાકે સંબંધિત તલાટી કમ મંત્રીની કચેરીમાં સંબંધિત ગામમોમાં યોજાશે. અરજદારોએ તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં તેમનું પુરૂ નામ, પુરૂ સરનામું અને ટેલીફોન/મોબાઇલ નંબરની વિગતો સાથે જિલ્લાકક્ષાના સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે કલેકટરની કચેરી-રાજપીપલા ખાતે અને તાલુકા સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સંબંધિત મામલતદારોની કચેરીએ અને ગ્રામ્ય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે સંબંધિત ગામની તલાટી-કમ-મંત્રીની કચેરીએ અરજદારે પોતાની ફરિયાદ અરજી બે નકલમાં રજૂ કરવાની રહેશે. નામ વગરની કે અધુરી વિગતોવાળી અરજીઓ ફાઇલે કરવામાં આવશે.

વધુમાં જાહેર જનતાને જણાવવાનું કે, પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો તા.૧૦ મી ઓગષ્ટ,૨૦૨૨ સુધીમાં જે તે ખાતાના પ્રશ્નો અંગે સંબંધિત ખાતાના વડાને સુવાચ્ય અક્ષરે અરજી કરવાની રહેશે અને તેની બે નકલ એ.ડી.એમ. શાખા, કલેકટરની કચેરી, રાજપીપલા-જિ.નર્મદા, જિલ્લા સેવા સદન, પ્રથમ માળે, રાજપીપલા ખાતે સાંજના ૬=૦૦ કલાક સુધીમાં આપવાની રહેશે. ત્યારબાદ મળેલ અરજીઓ કાર્યક્રમમાં લેવામાં આવશે નહિં.
કોર્ટને લગતી નીતિ વિષયક અને કર્મચારીને લગતા તથા સેવા વિષયક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે નહી. એક અરજીમાં એક જ પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અને ખાતાવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌ પ્રથમ ખાતાને અરજી કરેલ હોય અને જે તે ખાતાના વિભાગ મારફતે કોઇ કાર્યવાહી ન થવા પામી હોય અથવા જે તે વિભાગ દ્વારા કોઇ પ્રત્યુતર મળેલ ન હોય તેવી અરજીઓ જ સ્વાગત કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે. આ અરજી સાથે જિલ્લામાં જે કચેરીમાં અરજી પડતર છે તેમને કરેલી રજૂઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજદારે આ કાર્યક્રમમાં રજૂ કરેલા પ્રશ્નો જિલ્લાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા જ પ્રશ્નો રજૂ કરવાના રહેશે. અરજી ઉપર તેમજ અરજી મોકલવાના કવર ઉપર “જિલ્લા / તાલુકા / ગ્રામકક્ષાનો સ્વાગત કાર્યક્રમ” સ્પષ્ટ રીતે લખવાનું રહેશે. સરકારી વિભાગોના જિલ્લાકક્ષાના સંબંધિત અધિકારીઓએ કલેક્ટરની ચેમ્બરમાં, કલેક્ટર કચેરી, નર્મદા ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. અરજદારે પણ તે જ દિવસે સવારે ૧૦:૩૦ કલાકે દર્શાવેલ સંબંધિત સ્થળે પોતાના પ્રશ્નો અંગેના આધાર-પુરાવા સહિત હાજર રહેવા નિવાસી અધિક કલેકટર, નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:15 pm IST)