Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

સુરતમાં જવેલર્સની આંખમાં મરચાની ભુકી નાંખીને પાંચ સોનાની ચેનની લૂંટ: આરોપીને ઝડપી લેવાયો

સુરતના કતારગામમાં જ્વેલર્સમાં માલિક પર મરચાની ભુકી નાંખીને એક યુવકે લૂંટ ચલાવી : પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો

સુરતના કતારગામમાં જ્વેલર્સમાં માલિક પર મરચાની ભુકી નાંખીને એક યુવકે લૂંટ ચલાવવી પોલીસે ગણતરી ના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં લૂંટ કરવા માટે પહેલા યૂટ્યૂબમાં વિડીયો જોયો હતો. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના કતારગામમાં જ્વેલર્સ ધરાવતા વેપારીની આંખમાં મરચાની ભુકી નાંખીને એક યુવકે રૂપિયા 3.77 લાખની કિંમતની પાંચ સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. આ યુવકે લૂંટ કરવા માટે સૌ પ્રથમ વીડિયોમાંથી જોઇને લૂંટ કરવાનો પ્લાન જોયો હતો. જો કે, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે માત્ર દોઢ કલાકના સમયમાં જ આરોપીને કતારગામ દરવાજાથી પકડી પાડ્યો હતો

જ્વેલર્સની બહાર આવેલા દર્શનભાઇએ ચોર-ચોરની બુમો પાડી હતી પરંતુ ત્યાં સુધીમાં અજાણ્યો યુવક ફરાર થઇ ગયો હતો. આ બાબતે કતારગામ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે રૂપિયા 3.77 લાખની કિંમતની 67.470 મીલીગ્રામની પાંચ સોનાની ચેઇનની લૂંટની ફરિયાદ નોંધી હતી. કતારગામ પીઆઇ બી.ડી. ગોહિલ તેમજ તેમનો સમગ્ર સ્ટાફ કામે લાગ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે હિતેશ ભરતભાઇ વસાણીને કતારગામ દરવાજા પાસેથી પકડી પાડ્યો હતો, આ ઉપરાંત પોલીસે તેની પાસેથી પાંચ ચેઇન પણ કબજે લીધી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં હિતેશ બેકાર હોય અને શોર્ટકર્ટમાં રૂપિયા મેળવવા માટે તેને યુ-ટ્યુબ ઉપર વીડિયો જોયો હતો અને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આ યુવકની ધરપકડ કરી તેની વધુ પુછપરછ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હિતેશ કોઇના હાથે પકડાઇ નહીં તે માટે તેને જ્વેલર્સમાં આવ્યો તે પહેલાથી જ પોતાની બાઇક શરૂ રાખી હતી. જ્વેલર્સ ઉપર મરચાની ભુકી નાંખીને તે બહાર જાય ત્યારે કોઇ તેને પકડે નહીં તે માટે તેને બાઇક શરૂ રાખી હતી અને બાઇકનું મોંઢુ પણ રસ્તાની તરફ રાખ્યું હતું. લૂંટ કરતાની સાથે જ આ હિતેશ સૌપ્રથમ કતારગામ આંબાતલાવડી પાસે ગયો, ત્યાંથી ગજેરા સ્કૂલ અને ત્યારબાદ અંદરના રસ્તાએથી હિતેશ કતારગામ દરવાજા પાસે પહોંચ્યો તે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. જેના આધારે પોલીસે હિતેશને પકડી પાડ્યો હતો

(11:31 pm IST)