Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

રાજ્‍યભરમાં અત્‍યારથી જ થવા લાગ્‍યો ગરમીનો અનુભવ : લાંબો ચાલશે ઉનાળો

સામાન્‍ય રીતે ફેબ્રુઆરીના મધ્‍યમાં થોડી ગરમી જોવા મળતી હોય છે પરંતુ આ વખતે વહેલી છે : અમદાવાદ તેમજ ગુજરાતના અન્‍ય ક્ષેત્રોમાંથી ધીમે-ધીમે ઠંડી લઇ રહી છે વિદાય

અમદાવાદ તા. ૭ : રાજયભરમાં છેલ્લા એક-બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે અને આગામી થોડા જ દિવસમાં સત્તાવાર રીતે ગરમીનું આગમન થઈ જશે તેમ લાગી રહ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૨ના પહેલા અઠવાડિયામાં સરેરાશ મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્‍સિઅસ અને સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૩.૬ ડિગ્રી સેલ્‍સિઅસ હતું. આ વર્ષે ફેબ્રુઆરીના પહેલા છ દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી સેલ્‍સિઅસ રહ્યું છે, જેમાં રવિવારે તાપમાન ૩૩.૩ ડિગ્રી સેલ્‍સિઅસે પહોંચી ગયું હતું.

છેલ્લા કેટલાક દિવસોમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્‍સિઅસથી ઉપર રહેતાં શહેર અને રાજયમાં મહદ્દઅંશે ગરમીનો અનુભવ થવા લાગ્‍યો છે. ભારતીય હવામાન વિભાગના (IMD) રાજયના હેડ મનોરમા મોહંતીએ જણાવ્‍યું હતું કે, લાંબાગાળાની સરેરાશની સરખામણીમાં વર્તમાન તાપમાન સામાન્‍ય છે. ‘આગામી પાંચ દિવસમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી, તે કહેવું પણ ખૂબ વહેલું રહેશે કે તાપમાનમાં વધુ ઘટાડો થશે નહીં', તેમ તેમણે ઉમેર્યું હતું.

સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૧.૫ ડિગ્રી સેલ્‍સિઅસ હતું, જે સામાન્‍ય કરતાં ૧.૬ ડિગ્રી સેલ્‍સિઅસ વધારે હતું. જયારે લઘુત્તમ તાપમાન ૧૩.૩ ડિગ્રી સેલ્‍સિઅસ હતું, જે સામાન્‍ય કરતાં ૦.૧ ડિગ્રી વધુ હતું. IMD અનુસાર, અમદાવાદમાં ફેબ્રુઆરી માટે સરેરાશ મહત્તમ અને લઘુત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને ૧૪. ૬ ડિગ્રી છે. જો કે, મેટ (Met) હવામાન વિભાગના અધિકારીઓએ ઉમેર્યું હતું કે, સામાન્‍ય રીતે ફેબ્રુઆરીના મધ્‍યથી તાપમાનમાં વધારો થવાનું શરૂ થાય છે પરંતુ આ વર્ષે આમ વહેલું થયું છે.

નવેમ્‍બર, ડિસેમ્‍બર અને જાન્‍યુઆરીના તાપમાનનું એનાલિસિસ દર્શાવે છે કે, ૧૬ ડિસેમ્‍બર સુધી તાપમાન સામાન્‍ય કરતાં વધુ રહ્યું હતું. ૧૫ ડિસેમ્‍બરે લઘુત્તમ તાપમાન ૨૦. ૫ ડિગ્રી હતું, જે સામાન્‍ય કરતાં ૭.૨ ડિગ્રી વધારે હતું, જે સિઝનના સૌથી વધુ તાપમાનમાંથી એક હતું. આ મહિનાઓમાં, શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્‍સિઅસ કરતાં ઓછું લગભગ પાંચ દિવસ સુધી જોવા મળ્‍યું હતું અને કોલ્‍ડ વેવની સ્‍થિતિ પણ ઓછી હતી, મુખ્‍યરૂપથી કચ્‍છ જિલ્લામાં કેન્‍દ્રિત હતી. સોમવારે ભાવનગર જિલ્લાના મહુવામાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી સેલ્‍સિઅસ નોંધાયું હતું, ત્‍યારબાદ રાજયના પાટનગર ગાંધીનગરમાં ૩૨. ૫ ડિગ્રી સેલ્‍સિઅસ અને વડોદરામાં ૩૨. ૨ ડિગ્રી સેલ્‍સિઅસ હતું. રાજયભરમાં ગાંધીનગરમાં ૧૧.૪ ડિગ્રી સેલ્‍સિઅસ સિવાય દરેક જગ્‍યાએ લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્‍સિઅસથી ઉપર વધ્‍યું હતું.

(3:23 pm IST)