Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ધોરણ ૮ની વિદ્યાર્થીનીને ૧૬૦માંથી ૧૭૩ માકર્સ મળ્‍યા !!!

આવું પરિણામ કદી નહિ જોયું હોય

અમદાવાદ, તા.૯: રાજ્‍યમાં સરકારી પરીક્ષાઓ હોય કે, ભરતી મામલો છબરડા અને વિવાદો સામે આવતા રહે છે. ત્‍યારે અરવલ્લી જિલ્લાના ભિલોડાની જાબ ચિતરીયા પ્રાથમિક શાળામાં પરિણામમાં ગોટાળો સામે આવ્‍યા છે.આમ ભિલોડા ગામની જાબ ચિતરીયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના પરિણામમાં છબરડો સામે આવતાં હાલ શિક્ષણ મામલે અનેક સવાલો થઈ રહ્યાં છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, ભિલોડાની જાબ ચિતરીયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના પરિણામમાં એક વિદ્યાર્થીને ગુજરાતી વિષયમાં ૧૬૦ માંથી ૧૭૩ ગુણ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ૧૬૦ માંથી ૧૭૧ ગુણ અપાતા ખળભળાટ મચ્‍યો છે. મહત્‍વનું છે કે, પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્‍યાંકન ૧૬૦ ગુણ હોય છતાં ૧૬૦ કરતા વધુ ગુણ અપાતા ચકચાર મચી જવા પામી હતી. એટલું જ નહીં, શાળાના વિધાર્થીનું રિજલ્‍ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની કામગીરી બાબતે અનેક સવાલો ઉઠ્‍યા છે.

આ ઘટનામાં સામે આવ્‍યું છે કે જાબ ચિતરીયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીનું પરિણામ શિક્ષકે તૈયાર કર્યું અને તેમણે ભૂલ કરી એ સમજ્‍યા પરંતુ જ્‍યારે આ પરિણામની કોપી શાળાના આચાર્ય પાસે પણ આવી ત્‍યારે પણ આવડી મોટી ભૂલ ધ્‍યાને આવી નહોતી. સામાન્‍ય રીતે વર્ગશિક્ષક દ્વારા પરિણામ તૈયાર કર્યા બાદ શાળાના આચાર્ય પાસે સહી સિક્કા કરવા માટે આવતું હોય છે. પરંતુ આ કેસમાં તો આચાર્યએ પણ સહી સિક્કા કરી વેલીડ કરી નાખ્‍યું હતું. જેના કારણે આ મુદ્દો ચગ્‍યો છે.

(3:23 pm IST)