Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

અમદાવાદમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જશેઃ ઓરેન્‍જ એલર્ટની આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેશરથી ગરમ અને સુકા પવન ફુંકાવાના લીધે ગરમીમાં વધારો થશે

અમદાવાદ: એપ્રિલ બાદ મે મહિનો પણ કાળઝાળ ગરમીમાં પસાર થઈ રહ્યો છે. જોકે, આગામી દિવસોમાં પણ ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે. ખાસ કરીને અમદાવાદને લઈને એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ 6 દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે. અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી જઈ શકે છે. જેને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે.

સમગ્ર રાજ્યભરમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 44થી 45 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. ત્યારે રવિવારે 44 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. આ કાળઝાળ ગરમીથી અમદાવાદીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશરથી ગરમ અને સૂકા પવન ફૂંકાવવાના લીધે ગરમીમાં વધારો નોંધાયો છે..આ દરમિયાન ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે જેનાથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે હીટવેવથી સાવધાન રહવું જરૂરી છે.

બીજી તરફ, અસાની વાવાઝોડાએ દેશમા દસ્તક આપી છે. વાવાઝોડું અસાની વધુ ખતરનાક બની રહ્યું છે. અસાની વાવાઝોડાની અસરના કારણે બંગાળ, ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં તોફાન અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં પ્રવેશ કર્યા બાદ સાયક્લોન અસાનીએ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. IMD ના પ્રમાણે અસાની વાવાઝોડાની અસર સૌથી વધુ નિકોબારથી લગભગ 610 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં, પોર્ટ બ્લેરથી 500 કિલોમીટર પશ્ચિમમાં, વિશાખાપટ્ટનમથી 810 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વ અને પુરીથી 880 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં જોવા મળશે. અસાની વાવાઝોડાની અસરથી 90 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાશે. ઓરિસ્સાના ચાર પોર્ટ ડેન્જર જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ વાવાઝોડાના ખતરાને જોતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના તમામ કાર્યક્ર્મ રદ્દ કર્યા છે. વાવાઝોડાની ઓરિસ્સાની સાથે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમા જોવા મળી શકે છે.

(5:22 pm IST)