Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

મહેસાણા:ચેક રિટર્નના આરોપીને એક વર્ષની સજાનો હુકમ કર્યો

મહેસાણા: ઉછીના આપેલા પૈસાની વસૂલાત માટે આપેલ ચેક અપૂરતા ભંડોળને કારણે પરત ફરવાના ગુનામાં મહેસાણા કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. તેને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

મહેસાણાના રાધનપુર રોડ પરના મંગલદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ સોમાભાઈ પટેલે પાંચેક વર્ષ પહેલા વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં રહેતા પોતાના મિત્ર સંજય સોમાભાઈ પટેલને અંગત કામે પૈસાની જરૃર પડતાં મિત્રતાના ભાવે રૃ.ત્રણ લાખની રકમ સવા વર્ષના વાયદાથી ઉછીની આપી હતી.મુદ્દત થતાં તેમણે પૈસાની ઉઘરાણી કરતાં તેઓને તા.૧૪-૩-૨૦૧૮નો ચેક આપ્યો હતો.જેને કલીયરીગ માટે  બેકમાં રજૂ કરતા અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી મેહુલ પટેલે આ અંગે મહેસાણા કોર્ટમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ દાદ માંગી હતી.જેની સુનાવણી ત્રીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ડી.બી.રાજનની કોર્ટમાં ચાલી હતી. જેમાં ફરીયાદીના વકીલ એસ.વી.પટેલની દલીલોના આધારે અદાલતે આરોપીને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે ચેકની રકમ ચુકવી તે નાણાં ૩૦ દિવસમાં કોર્ટમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

(6:07 pm IST)