Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સુરત : મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા ફ્રુટની લારીવાળાનો દીકરો AAPનો ઉમેદવાર બન્યો

વોર્ડ નંબર 26માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનતા ચંદનસિંગ યાદવના પિતાએ કહ્યું થોડા દિવસ હું મારા દીકરાનો પ્રચાર કરીશ એટલા માટે લારી બંધ રહેશે.

સુરતમાંથી આમ આદમી પાર્ટીએ 120 ઉમેદવારોને ઉભા રાખ્યા હતા પરંતુ તેમાંથી 6 જેટલા ઉમેદવારોના ફોર્મ કોઈના કોઈ ક્ષતિના કારણે રદ્દ થયા હતા. જેના કારણે આમ આદમી પાર્ટીના 114 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને પડકાર ફેંકશે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ ફ્રુટની લારી ચલાવતા વ્યક્તિના દીકરાને ડમી ઉમેદવાર તરીકે ઉભો રાખ્યો હતો પરંતુ મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થવાના કારણે ફ્રુટની લારી ચલાવતા વ્યક્તિનો દીકરો મુખ્ય ઉમેદવાર બન્યા છે

   રિપોર્ટ અનુસાર સુરતમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ચંદનસિંગ યાદવ દિલ્હી સરકારના કામોને લોકો સમક્ષ મુકીને લોકો પાસેથી વોટની માગણી કરી રહ્યો છે. ચંદનસિંગના પિતા ગૌરીશંકર યાદવ સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા આસપાસ મંદિરની પાસે ફ્રુટની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 26માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજીવસિંહ યાદવે ફોર્મ ભર્યું હતું પરંતુ સંજીવસિંહનું ફોર્મ કોઈ ટેકનિકલ ક્ષતિના કારણે રદ થયું હતું. જેના કારણે ડમી ઉમેદવાર ચંદનસિંગ યાદવ મુખ્ય ઉમેદવાર બન્યો છે, ચંદનસિંગે ધોરણ 10 પાસ કર્યું છે અને તે એક કંપનીમાં 8 હજારની નોકરી કરી રહ્યો છે. પિતા ફ્રુટની લારી ચલાવી રહ્યા છે. ચંદનસિંગના પિતા ગૌરીશંકર દીકરો ચૂંટણી લડતો હોવાના કારણે ખૂબ જ ખુશ છે અને તેમનું કહેવું છે કે, દીકરો ઉમેદવાર તરીકે ઉભો છે એટલે ખૂબ જ ખુશી છે અને થોડા દિવસ હું મારા દીકરાનો પ્રચાર કરીશ એટલા માટે લારી બંધ રહેશે.

(1:02 pm IST)