Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીને લઇને સતત મુખ્‍યમંત્રી સાથે રહેલા નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટીવ

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નીતિન પટેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સતત સંપર્કમાં હતા અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ તે સામેલ થયા હતા. જ્યારે ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના ચોથા સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર કોરોના પોઝિટિવ થયા છે.

મુખ્યમંત્રી રૂપાણીને રેમડેસીવર ઇંજેક્શન આપવામાં આવ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીને રેમડેસીવર ઇંજેક્શન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના તમામ રીપોર્ટ નોર્મલ અને તબિયત સુધારા પર છે. સીનિયર તબીબો મુખ્યમંત્રીની સારવાર કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભાજપના સ્ટાર પ્રચારક તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાની સભામાં ચક્કર આવ્યા બાદ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જે બાદ મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ કરવામાં આવતા તેઓનો રિપોર્ટ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા ભાજપના 9 નેતાઓએ પોતાના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. કોરોના સંક્રમિત થવાના કારણે મુખ્યમંત્રી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર નહીં કરી શકે. જો કે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીની વડોદરામાં યોજાયેલી ત્રણ સભાઓમાં તેમની સાથે હાજર રહેલા નેતાઓ, ઉમેદવારો અને ભાજપના હોદ્દેદારોના પણ કોરોના ટેસ્ટ કરાવીને તેમને ક્વોરન્ટાઈન કરવાની માંગ કરવામાં આવી છે.

(5:25 pm IST)