Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સુરતના વેસુ વિસ્તારમાં 4 લાખનો એલ્યુમિનિયમ સેક્શનનો ભંગાર ચોરી કરનાર ત્રણ શખ્સ વિરુદ્ધ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી

સુરત: વેસુ સ્થિત હેપ્પી એલીગન્સમાં ચાલી રહેલા એલ્યુમિનીયમ સેક્શનના કામનો ભંગાર અને સેક્શનના 30 નંગ બંડલ મળી કુલ રૂ. 4.55 લાખનો સામાન ચોરી થઇ ગયો હતો. ચોરી કરનાર ત્રણ ચોર સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે. 

વેસુ સ્થિત હેપ્પી એલીગન્સમાં હાલમાં એલ્યુમિનીયમ સેક્શનનું કામ ચાલી રહ્યું છે. જેથી એલ્યુમિનીયમ સેક્શનનું કામ કરતા સાહીલ સુનીલ શાહ (ઉ.વ. 32 રહે. બ્લુ સ્ટોન રેસીડન્સી, દાંડી રોડ, જહાંગીરપુરા અને મૂળ. વગદા, જિ. પાલનપુર) એ એલ્યુમિનીયમ સેક્શનનો ભંગારનો સામાન ફ્લેટમાં મુકયો હતો. રક્ષાબંધન હોવાથી બે દિવસ કામ બંધ રાખ્યું હતું અને ત્રીજા દિવસે સાહીલના પિતા ફ્લેટ પર ગયો ત્યારે તેમાંથી એલ્યુમિનીયન સેક્શનનો ભંગાર 540 કિલોગ્રામ કિંમત રૂ. 1.05 લાખ અને એલ્યુમિનીયમ સેક્શનના 30 નંગ બંડલ મળી કુલ રૂ. 4.55 લાખનો સામાન ગાયબ હતો. જેથી સાહીલે તુરંત જ હેપ્પી એલીગન્સના સીસીટીવી ફૂ઼ટેજ ચેક કર્યા હતા. જેમાં ત્રણ યુવાનો 12 ઓગસ્ટના રોજ બપોરના અરસામાં એલ્યુમિનીયમ સેક્શનના બંડલ લઇને જતા નજરે પડયા હતા. જેથી ત્રણ અજાણ્યા વિરૂધ્ધ સાહીલ શાહે ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

(4:15 pm IST)