Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ભાજપના નારાજ નેતા માટે વિપક્ષના દ્વારા ખુલ્લા : હાર્દિક પટેલે

રાજ્યના મંત્રીમંડળની જાહેરાત બાદ ભાજપમાં ભડકો : કોંગ્રેસે ભાજપના નારાજ નેતાઓને પોતાની તરફ લાવવા દાણો દાબ્યો, નવા ચહેરોઓને મંત્રી બનાવાતા અસંતોષ

અમદાવાદ , તા.૧૬ : રાજ્યમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની ટીમની જાહેરાત થઈ ગઈ છે. નવા મંત્રીઓએ શપથ પણ લઈ લીધા છે. ભાજપે નો રિપીટ થિયરી અંતર્ગત રૂપાણી સરકારમાં રહેલા તમામ સીનિયર મંત્રીઓને પડતા મૂક્યા છે અને નવા જ ચહેરાને મંત્રી બનાવ્યા છે. આ કાર્યવાહીમાં ભાજપના મોટા માથાઓ અને ખાસ કરીને નીતિન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે પણ નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે કોંગ્રેસે ભાજપના નારાજ નેતાઓને પોતાની તરફ લાવવા દાણો દાબ્યો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યું કે, ભાજપના નારાજ નેતાઓએ વિપક્ષમાં જોડાવવું હોય તો દરવાજા ખુલ્લા છે.

હાર્દિક પટેલ આજે જામનગરના બેડીમાં વરસાદમાં મૃત્યુ પામેલા માછીમાર પરિવારની મુલાકાતે આવ્યા હતા. જામનગરમાં ભારે વરસાદી વાતાવરણ વચ્ચે દરિયાના વહેણમાં માછીમારી કરવા ગયેલા બેડી વિસ્તારના બે માછીમાર બંધુના ડૂબી જવાથી મૃત્યું થયું હતું. હાર્દિક પટેલ અસરગ્રસ્ત પરિવારની મુલાકાતે આવ્યા હતા. સ્થાનિક અગ્રણીઓ સાથે મુલાકાત દરમ્યાન મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી મદદની ખાતરી આપી હતી. તે પછી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના નારાજ નેતાઓ અંગે કહ્યું કે, નીતિન પટેલ સહિત નારાજ મંત્રીઓને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા છે. અગાઉ પણ હાર્દિક પટેલે સરકારમાં જે હલચલ ચાલી રહી હતી તેને લઈને નિવેદન આપતા જણાવ્યુ હતું કે, આરએસએસ અને ભાજપના સર્વેમાં કોંગ્રેસ જીતી રહ્યું છે. આ કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી રાજીનામુ લેવામાં આવ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, ૧૫ મહિના બાદ યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને ૪૩ ટકા મત મળી રહ્યા છે અને ૯૬-૧૦૦ બેઠકો મળી રહી છે. જ્યારે ભાજપને ૩૮ ટકા મત અને ૮૦-૮૪ બેઠક મળી રહી છે. આપને ૩ ટકા અને મીમને ૧ ટકા મત મળી રહ્યા છે.

હાર્દિક પટેલે અન્ય એક ટ્વીટ પણ કરી હતી. તેમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ જનતાને ગેરમાર્ગે દોરવા માટે લેવામાં આવ્યું છે. ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં અસફળ રહ્યું છે. ઓક્સિજનની તંગી, લોકોના મોત, સ્મશાનોની તસવીરોથી જનતા નારાજ છે. અસલી પરિવર્તન આગામી વર્ષે ચૂંટણીઓ બાદ આવશે જ્યારે જનતા ભાજપને સત્તા પરથી ઉખાડી ફેંકશે. આ પહેલી વખત નથી કે જ્યારે હાર્દિક પટેલે ભાજપના નેતાઓને અને ખાસ કરીને નીતિન પટેલને કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ આપ્યું હોય. આ પહેલા જ્યારે આનંદીબેનને રાજીનામું આપ્યું અને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા, ત્યારે પણ હાર્દિક પટેલે નીતિન પટેલને કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું.

(7:31 pm IST)