Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ગુજરાત વિધાનસભામાં મહિલાઓની ભાગીદાર 10 ટકા કરતા પણ ઓછીઃ 1960થી આજ સુધી માત્ર 111 મહિલા વિધાનસભામાં પહોંચી

1962માં યોજાયેલ ચૂંટણીમાં 19 મહિલાઓમાંથી 11નો વિજય થયો હતો

અમદાવાદઃ ગુજરાતની રાજનીતિમાં મહિલાઓનું પ્રતિનિધિત્‍વ માત્ર 10 ટકાથી પણ ઓછુ છે. આજ દિન સુધીમાં 111 મહિલાઓ વિધાનસભામાં પહોંચી છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે તે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. દરેક ચૂંટણીમાં મહિલાઓની કેટલી ભાગીદારી કેટલી છે, તેની હંમેશા ચર્ચા થતી આવી છે. પરંતુ ગુજરાતના ઈતિહાસની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની અંદર અત્યાર સુધી મહિલાઓની ભાગીદારી ખુબ ઓછી જોવા મળી છે. જો ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 10 ટકા કરતા પણ ઓછી ભાગીદારી મહિલાઓની છે. ગુજરાતમાં અત્યાર સુધી યોજાયેલી 13 ચૂંટણીમાં 2307 ધારાસભ્ય ચૂંટાયા છે, જેમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા માત્ર 111 રહી છે.

1 મે 1960ના ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું

મહારાષ્ટ્રથી અલગ થઈને 1 મે 1960ના પ્રથમવાર ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. ડો. જીવરાજ મેહતા પહેલા મુખ્યમંત્રી બન્યા તો કલ્યાણજી મેહતા પહેલા વિધાનસભા અધ્યક્ષ બન્યા હતા. આશરે 54 વર્ષ બાદ મે 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ રાજ્યની કમાન 22 મે 2014ના આનંદીબહેન પટેલના હાથમાં આવી હતી. એટલે કે આનંદીબહેન પટેલ રાજ્યના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. આનંદીબહેને 6 ઓગસ્ટ 2016ના રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.

2021માં ડો. નીમાબેન આચાર્ય બન્યા વિધાનસભા અધ્યક્ષ

27 સપ્ટેમ્બર 2021ના ડો. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પહેલાં મહિલા અધ્યક્ષ બન્યા હતા. ગુજરાતમાં જોવામાં આવે તો 1960થી 2017 સુધી રાજ્યમાં 13 વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ, જેમાં 2307 ધારાસભ્યો ચૂંટાયા હતા. તેમાંથી પુરૂષ ધારાસભ્યોની સંખ્યા 2196 રહી તો અત્યાર સુધી માત્ર 111 મહિલા ગુજરાતમાં ધારાસભ્યો બન્યા છે. એટલે કે રાજ્ય વિધાનસભામાં મહિલા સભ્યોની સંખ્યા દર વખતે 10 ટકાથી ઓછી રહી, 1962 વિધાનસભાની 154 સીટો પર ચૂંટણી થઈ હતી, જેમાં 11 મહિલાઓ જીતી હતી. ત્યારબાદ 1972ની ચૂંટણીમાં માત્ર 1 મહિલા વિધાનસભા પહોંચી હતી. વર્ષ 1985, 2007 તથા 2012ની ચૂંટણીમાં સર્વાધિક 16-16 મહિલાઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિધાનસભા પહોંચી હતી.

1962માં પ્રથમવાર યોજાઈ ચૂંટણી, 19માંથી 11 મહિલાઓની થઈ હતી જીત

ગુજરાત રાજ્યની સ્થાપના બાદ 1962ની પહેલા ચૂંટણીમાં 19 મહિલા મેદાનમાં ઉતરી હતી તથા 11 મહિલાઓએ જીત મેળવી હતી. ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં મહિલાઓની જીતની ટકાવારી સતત ઘટતી રહી છે. 1975માં 14 મહિલાઓએ ચૂંટણી લડી અને ચાર મહિલાઓને જીત મળી હતી. 1980માં 24 મહિલાઓએ ચૂંટણી લડી અને 5 મહિલાઓ જીતી હતી. 1990માં 53માંથી 4 મહિલાઓ જીતી, જ્યારે 1995ની ચૂંટણીમાં 94 મહિલા ઉમેદવારોમાંથી માત્ર બે મહિલાઓ ચૂંટણી જીતી હતી. 2002માં 37 મહિલાઓએ ચૂંટણી લડી અને 12 મહિલાઓ જીતી હતી. 2007 તથા 2012ની ચૂંટણીમાં 16-16 મહિલાઓ જીતીને વિધાનસભા પહોંચી હતી. જ્યારે 2017ની ચૂંટણીમાં 13 મહિલાઓએ જીત મેળવી હતી.

2022ની ચૂંટણીમાં આટલી મહિલા ઉમેદવારો મેદાનમાં

ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે તથા ફોર્મ પણ ભરાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ 17 મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ તરફથી 12 મહિલા મેદાનમાં છે. તો આમ આદમી પાર્ટીએ 6 મહિલાઓને ટિકિટ આપી છે. એટલે કે ત્રણ મુખ્ય પાર્ટીઓની કુલ 35 મહિલા ઉમેદવારો આ વખતે ચૂંટણી મેદાનમાં છે. આ વખતની યાદીમાં અપક્ષ કે કોઈ અન્ય પાર્ટીની મહિલા ઉમેદવારો આ લિસ્ટમાં સામેલ નથી.

(5:28 pm IST)