Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વડોદરા:10 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે તાંદલજાના બિલ્ડરને બે વર્ષની સજાની સુનવણી કરી

વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં ફ્લેટ બુક કરાવનાર ગ્રાહકને બિલ્ડરે દસ્તાવેજ નહી કરી આપતા ગ્રાહકે પરત માગેલા બુકિંગના રૂપિયા પેટે બિલ્ડરે આપેલા બે ચેક રિટર્ન થતાં બન્ને ચેકમાં કોર્ટે અલગ અલગ એક-એક વર્ષ મળીને બે વર્ષની સજા ફટકારી છે.

આ કેસની વિગતો એવી છે કે તાંદલજામાં મોટી મસ્જીદ સામે લીમડી ફળીયામાં રહેતા નઇમ મોહંમદ પટેલે તેના પરિચીત બિલ્ડર બશીર અહેમદ પટેલ (રહે. રૂમાના ડુપ્લેક્ષ, દારૂલ ઉલુમની બાજુમાં તાંદલજા)ની સ્કીમ અલસફા સોસાયટીમાં વર્ષ ૨૦૧૮માં એક ફ્લેટ બુક કરાવ્યો હતો અને તેના બુકિંગ પેટે એક વર્ષના ગાળામાં કુલ ૧૨ લાખ આપ્યા હતા.

આટલી મોટી રકમ બુકિંગ પેટે આપી હોવા છતાં ફ્લેટના દસ્તાવેજ કરવામાં બશીર પટેલ આનાકાની કરતા નઇમ પટેલે બુકિંગના પૈસા પરત માગ્યા હતા જે પેટે બશીર પટેલે રૂ. ૨ લાખ રોકડા આપ્યા હતા જ્યારે ૩-૩ લાખાના બે ચેક અને ૪ લાખનો એક ચેક મળીને કુલ ૧૦ લાખની રકમના ચેકો આપ્યા હતા આ ચેકો બેંકમાંથી પરત ફરતા નઇમ પટેલે બિલ્ડર બશીર પટેલ સામે કેસ દાખલ કર્યો હતો.આ કેસ વડોદરાની કોર્ટમાં ચાલી જતા પુરાવાઓને ધ્યાનમા લઇને એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.પી.પટેલે આરોપી બિલ્ડર બશીર અહેમદ પટેલને રૂ. ૬ લાખના ચેકના કેસમાં એક વર્ષ અને રૂ.૪ લાખના કેસમાં એક વર્ષ મળીને કુલ બે વર્ષ કેદની સજા કરી છે ઉપરાંત રૂ.૧૦.૩૫ લાખનો દંડ ફટકાર્યો છે જેમાંથી રૂ.૧૦.૨૫ લાખ ફરિયાદી નઇમ પટેલને આપવા આદેશ કર્યો છે.

(6:47 pm IST)