Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ચિત્રાવાડી ગામમાં પતિ હારતા પત્નીની તબિયત બગડી ગઈ

ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો પર બધાની નજર :પત્નીની તબિયત કથડતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા

નર્મદા, તા.૨૧ : રાજ્યની ૮૬૮૪ ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના ૨૭,૨૦૦ અને સભ્યપદના ૧,૧૯,૯૯૮ ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો આવી ગયો છે. ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો પર ભાજપ-કૉંગ્રેસની નજર રહેશે. બીજી બાજુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ક્યાંય રસપ્રદ કિસ્સા તો ક્યાંક ખુશી ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. આવો જ એક કિસ્સો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામે બન્યો છે.

             નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામના સરપંચ ઉમેદવાર વાસુ વસાવાના પત્નીની એકાએક તબિયત લથડી હતી. પોતાના પતિની સરપંચ પદેથી હાર થતાં પત્નીની અ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વાસુ વસાવા આજે મંગળવારે થયેલી મત ગણતરીમાં ૧૦ મતથી હારી ગયા હતા. નોંધનીય છે કે, નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. લોકો વિજેતા ઉમેદવારોનો ફૂલહાર કરી સન્માન કરી રહ્યા છે અને ડીજેના તાલે નાચગાન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની નરખડી, ચિત્રાવાડી, સોઢાળીયા, અનિજરા હેલંબી, નવપરા નિકોલી, ગોપાલપુરા સાથે ૧૨થી વધુ ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેને પગલે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

(9:13 pm IST)