Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

કેનેડાથી આવેલી પુત્રવધૂ પર સસરાએ હુમલો કર્યો

દહેજ માટે પરીણિતા પર ક્ત્રાસ ગુજારાયો : પિયરમાંથી ૪૦ લાખ રૂપિયા દહેજ નહીં લાવે તો તેને સંતાનો સાથે જાનથી મારી નાખવાની સસરાએ ધમકી આપી

ગાંધીનગર , તા.૨૧ : ગાંધીનગરમાં કેનેડાથી પરત આવેલી પુત્રવધૂ પર સસરાએ હુમલો કરીને વિદેશનો પાસપોર્ટ પણ આંચકી લીધો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, સસરાએ પુત્રવધુને એવી ધમકી આપી હતી કે, જો તે પિયરમાંથી ૪૦ લાખ રૂપિયા દહેજ નહીં લાવે તો તેને સંતાનો સાથ જાનથી મારી નાખશે. જેથી પરિણીતાએ પતિ, સાસુ-સસરા સહિત ૪ લોકો સામે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પતિ અને બે સંતાનો સાથે કેનેડામાં રહેતી અવનીબેન રૂશીનભાઈ ત્રિવેદી ડિસેમ્બર ૨૦૨૧માં દિયરના લગ્ન હોવાથી સમગ્ર પરિવાર ૧૧મી નવેમ્બરના રોજ કલોલથી અલકાપુરી સોસાયટી આવ્યો હતો.

         ત્યારબાદ સાસરિયાએ આચરેલી અત્યાચાર બાબતે અવનીબેને કલોલ શહેરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ૨૦૧૦માં કલોલની અલ્કાપુરી સોસાયટીમાં રહેતા રૂશીન કૃષ્ણકાંત ત્રિવેદી સાથે રીતિ-રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ પત્નીને કેનેડા બોલાવાઈ હતી. જ્યાં વર્ષ ૨૦૧૨માં પ્રથમ પુત્રીનો જન્મ થયા બાદ મારા સસરા કૃષ્ણકાંત, સાસુ જ્યોત્સનાબેન, પતિ અને દિયર તીર્થનું મારી સાથેનું વર્તન બદલાઈ ગયું હતું અને તે પુત્રને જન્મ આપ્યો ન હોવાના મહેણાં મારી દહેજની માંગણી કરતા હતા.

      આ દરમિયાન ૪ વર્ષ બાદ પુત્રનો અર્થવનો જન્મ થયો હતો. તે પછી પણ સાસુ-સસરા કેનેડા આવે ત્યારે દહેજની માંગણી કરતા હતા. દરમિયાન દિયરના લગ્ન હોવાથી નવેમ્બરમાં અમે કેનેડાથી ગાંધીનગર આવ્યા હતા. લગ્નના ચાર દિવસ પહેલા સસરા કૃષ્ણકાંતે અવનીબેન સાથે ઝઘડો કરીને માર માર્યો હતો અને ટોઈલટના બ્રશથી માર મારી ટોઈલેટમાં પૂરી દઈ બંને સંતાનો અને પરિણાતાનો વિદેશનો પાસપોર્ટ તેમજ અસલ ડોક્યુમેન્ટ્સ પડાવી લીા હતા અને મારા પુત્રને કેનેડા મોકલવાનો ખર્ચ થયો હોવાથી તારા પિયરમાંથી ૪૦ લાખ લઈ આવીશ ત્યારે તને પાસપોર્ટ મળશે તેવું કહ્યું હતું. સમગ્ર મામલે કલોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(9:14 pm IST)