Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ગોરવાનાં સરોગેટ માતા ભાનુબેન ગામનાં સરપંચ બન્યાં

બે સંતાનવીહિન દંપતીને સંતાન સુખ આપ્યું : પિરવારની સ્થિતિ સારી ન હોઈ ભાનુબહેને તેમની કીખ બે વખત ભાડે આપીને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી હતી

અમદાવાદ , તા.૨૧ : ભાનુ વણકર, ૪૩ વર્ષના આ મહિલાને આજે તેમના ગામ જ નહીં આસપાસના ગામમાં પણ કોઈ નહીં ઓળખતું હોય તેવું નથી. એક નહીં બે બે વાર પોતાની કોખ ભાડે આપીને સરોગેટ માતા બની ભાનુબેને બે સંતાન વિહિન દંપતીને સંતાનસુખ આપ્યું છે એટલું જ નહીં આ રીતે તેમણે પોતાના પરિવાર માથેનું કરજ દૂર કર્યું અને આજે હવે પોતાના ગામ ગોરવામાં બિનહરિફ સરપંચ તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે. ભારતમાં એક સમયે સરોગસી માટેના હબ ગણાતા આણંદના બોરસદ તાલુકાના ગોરવા ગામના વતની ભાનુબેનના જીવનમાં આ એક વધુ માઈલસ્ટોન હતો જ્યારે તેઓ બિનહરિફ સરપંચ તરીકે ચૂંટાયા. તેમણે તે સમયે પોતાની કૂખ ભાડે આપવાનું પગલું ભર્યું જ્યારે તેમનો પરિવાર ગરીબીનો સામનો કરતો હતો અને સમાજમાં આ બાબતે એટલો ખૂલા વિચારનો નહોતો. તેમના જ શબ્દોમાં સાંભળીએ તો હું ખૂબ ગરીબ હતી, હું તાડપત્રી અને સૂકા પાંદડાઓ દ્વારા બનાવામાં આવેલી એક ઝુંપડીમાં પરિવાર સાથે રહેતી હતી. મારા લગ્ન ૧૫ વર્ષની ઉંમરે થયા હતા અને મને ત્રણ પુત્રો થયા હતા.

       હું બાળકોની સંભાળ રાખવા માટે ઘરે જ રહેતી હતી. જ્યારે મારા પતિ તેમને મળતી ૨૦૦ રુપિયાની નજીવી રોજમદારીમાં ભાગ્યે જ ઘર ચલાવી શકે તેવી સ્થિતિમાં હતા. ક્યારેક એવું બનતું કે ઘણા દિવસો સુધી તો તેમને કામ મળતું ન હતું. પરંતુ જ્યારે કરિયાણાવાળાએ અને બાકીના રુપિયા ચૂકવ્યા પહેલા અનાજ આપવાની ના પાડી દીધી ત્યારે મે અંતે સરોગસી માટેનો નિર્ણય લીધો અને ક્લિનિકલ ટ્રાયલ માટે સાઈનઅપ કર્યું. તે સમય દરમિયાન જ ભાનુની બહેને તેને ડૉ. નયના પટેલની ૈંફહ્લ હોસ્પિટલ વિશે જણાવ્યું કે જેમાં ચોક્કસ તબીબી પરિસ્થિતિઓ ધરાવતા નિઃસંતાન યુગલોને માતા-પિતા બનવા માટે મદદ કરવા માટે સરોગેટ્સ માતાની જરૂર હતી. જે બાદ અનિચ્છાએ ભાનુ હોસ્પિટલમાં ગઈ અને તે એક મુલાકાતે તેનું આખું જીવન બદલી નાખ્યું. ભાનુબેન કહે છે *ત્રણ પુત્રોની માતા, મેં બે વાર સરોગેટ બનવાનું પસંદ કર્યું. પ્રથમ ગર્ભાવસ્થામાં મને ૨૦૦૭માં જોડિયા બાળકોને જન્મ આપવા માટે રૂ. ૩.૫ લાખ ચૂકવવામાં આવ્યા હતા. ૨૦૧૧માં, મને રૂ. ૫.૫ લાખ ચૂકવવામાં આવ્યા હતા. કોઈ એવી વ્યક્તિ માટે કે જેમની પાસે માથુ ઢાકવા પાકી છત નહોતી પરંતુ આ સરોગસીએ તો મારા પરિવારનું નસીબ બદલી નાખ્યું, ભાનુબેન કહે છે કે તેમણે આ રુપિયાનો ઉપયોગ પોતાના માટે ઘર બનાવવા કર્યો, તેના પતિની ગીરવે મૂકેલી જમીન મુક્ત કરી, દૂધનો વ્યવસાય શરૂ કર્યો અને મારા દેરના લગ્ન પણ કરાવ્યા.

       ભાનુબેન આગળ કહે છે કે *તાજેતરમાં, એક સરોગસી બિલ પસાર કરવામાં આવ્યું છે જેમાં શોષણને ટાંકીને સરોગસી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ મને ક્યારેય તેવો અનુભવ થયો નથી. હકીકતમાં, સરોગસીએ મારું જીવન વધુ સારી રીતે બદલ્યું છે. ભાનુના ગામના લોકો સરોગેટ મધર તરીકેની તેની સફળ સફરથી વાકેફ છે. ભાનુ કહે છે કે જ્યારે શરૂઆતમાં સામાજીક સમસ્યાઓ હતી ત્યારે તેના પતિ અને સમગ્ર પરિવારે તેની પસંદગીમાં સહમતી આપી ટેકો જાહેર કર્યો હતો. હાલમાં, ભાનુ આયા તરીકે કામ કરે છે અને નવા માતા-પિતાને તેમના બાળકો સાથે કઈ રીતે એડજસ્ટ થવું તેમાં મદદ કરે છે. ભાનુ કહે છે કે, *ઘણી વખત, હું કામ માટે અન્ય શહેરોમાં જાઉં છું. એક એવા યુગલને જોવું એ ખૂબ જ આનંદદાયક અનુભવ છે જેમણે વિચાર્યું હતું કે તેઓ ક્યારેય મા-બાપ નહીં બપની શકે અને આજે તેમના હાથમાં બાળક હોય ત્યારે તેમની ખુશીનો કોઈ પાર રહેતો નથી.* ભાનુ કહે છે કે જીવનને પોતાના માટે સારું બનાવ્યા પછી, તેણે ૨,૦૦૦ની વસ્તી ધરાવતા પોતાના ગામવાસીઓના જીવનસ્તરને વધુ સારુ બનાવવા માટે સરપંચની ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. તેઓ કહે છે કે મહિલાઓને સશક્ત બનાવવા માટે ખાસ કાર્યક્રમ, તેમજ ગામવાસીઓ માટે વધુ સારા રસ્તાઓ, ગટર જોડાણ શરૂ કરવાના પ્રસ્તાવ મૂક્યા છે.

(9:15 pm IST)