Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

હેડકલાર્ક ભરતી કૌભાંડ સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા આમરણાંત ઉપવાસનો પ્રારંભ

કૌભાંડમાં સંડોવાયેલ અમિત વોરાને દૂર કરી બેરોજગાર યુવાનોને ન્યાય આપોઃ અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધન

રાજકોટ તા. રર : હેડ કલાર્ક ભરતી કૌભાંડમાં અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલા ભરવા તેમજ યુવાનોને વળતર ચુકવવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંગ યાદવ તથા મહેશભાઇ સવાણી દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરાયા છે.

આ અંગે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવેલ કે ગુજરાતની જનતા જાણે છે કે ગુજરાત સરકારના તમામ નિર્ણયો સુપર સીએમ તરીકે સી.આર.પાટીલ જ લઇ રહ્યા છે. ગુજરાતની જનતાએ પણ જાણે છે કે ગુજરાતમાં સી.આર.પાટીલના શાસન હેઠળ ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. તાજેતરમાં જ લેવાયેલી હેડ કલાર્કની  પરીક્ષામાં થયેલા પેપર-લિક કૌભાંડના પકડાયેલા આરોપીઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.અને અગાઉ થયેલા કૌભાંડો પણ ભાજપના મળતીયાઓ દ્વારા જ કરવામાં આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પેપર ફુટવાની આ લગભગ નવમી ઘટના છે.

ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાને તાત્કાલીક એમના પદ પરથી દુર કરવામાં આવે અને અસિત વોરા સહીત પેપર લિક કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ ઉપર કાયદેસરની કાયદાકીય કાર્યવાહી તાત્કાલીક ધોરણે કરવામાં આવે, તેમજ અગાઉના પેપર લિકને કારણેરદ થયેલી પરીક્ષા સહિતના તમામ વિદ્યાર્થીઓને ખર્ચ અને મહેનતના વળતર તરીકે રૂપિયા પ૦,૦૦૦/- ચુકવવામાં આવે તેમજ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સ્થાને કોઇ પ્રમાણીક અને નિષ્પક્ષ આઇએએસ અધિકારીની નિમણુંક કરવામાં આવે તેમજ આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતીની રચના કરીને એને તપાસ સોંપવામાં આવે અને અટકી પડેલી તમામ ભરતીઓ તાત્કાલીક ધોરણે પુર્ણ કરી ગુજરાતના બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ માંગણી ઉઠાવી છે.

જયા સુધી આ માંગ સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપવાસ આંદોલન ચાલુ રાખશે તેમ આમ આદમી પાર્ટીના આગેવાનોએ આ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતુંે

(3:09 pm IST)