Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

હેડ કલાર્ક પરિક્ષા રદ્દ થયા બાદ વધુ ૨ પરિક્ષાર્થી રિતેશ પ્રજાપતિ અને રોનક સાધુની ધરપકડઃ ૬ દિવસના રિમાન્ડ મંજૂર

અત્યાર સુધીમાં આ પ્રકરણમાં ૧૪ શખ્સોની અટકાયત

અમદાવાદઃ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેપર લીક થયાની ઘટનામાં હેડક્લાર્ક પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. અને આગામી માર્ચ મહિનામાં આ પરીક્ષા લેવાશે. જ્યારે આ પરીક્ષા રદ્દ થયાના થોડા કલાકોમાં જ પોલીસે પેપર લીકનો મુખ્ય સૂત્રધાર જયેશ પટેલને ગાંધીનગરમાંથી પકડી પાડ્યો હતો.આ દરમિયાન સાબરકાંઠા પોલીસે વધુ બે પરીક્ષાર્થી રિતેશ પ્રજાપતિ અને રોનક સાધુને પકડી ત્રણેયને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતાં કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરતાં બંને પક્ષે થયેલ દલીલો બાદ 27 ડિસેમ્બર 11:00 કલાક સુધીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

સાબરકાંઠા એસ.પી. નીરજ બડગુજરે વિગત આપતાં જણાવ્યું કે અત્યાર સુધીની તપાસ દરમિયાન પ્રાંતિજ તાલુકાના ઊંછા અને પોગલુ તથા હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામથી પેપર લીક થયાનું બહાર આવ્યું છે અને પ્રથમ તબક્કામાં 8 આરોપીઓ પકડ્યા બાદ અલગ-અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરાઈ હતી. જેમાં ગાંધીનગર એલસીબીએ શનિ-રવિ દરમિયાન ત્રણ આરોપીઓ પકડ્યા હતા.

અગાઉ પકડેલ કુલદીપકુમાર નલીનભાઈ પટેલ (રહે. કાણોયોલ)ની કબૂલાત આધારે તા.18-12-21 ના રોજ તેના ઘેરથી એચ.પી. કંપનીનું લેઝર પ્રિન્ટર, પાંચ કાગળના અલગ અલગ બંચ, જેના પર અલગ અલગ વિદ્યાર્થીના નામ લખેલ હતા તે પેપર સોલ્વ કરેલ કાગળો, અલગ અલગ નામવાળા કોરા ચેક, પેપર સોલ્વ કરનાર વિદ્યાર્થીઓની અસલ, નકલ, એલસી માર્કશીટો, સર્ટીફિકેટો કબ્જે લેવાઈ હતી અને તેના ઘેર પેપર સોલ્વ કરવા ગયેલ વિદ્યાર્થીઓ પૈકી રિતેશકુમાર ઉર્ફે ચકો ભીખાભાઈ પ્રજાપતિ (રહે. હિંમતપુર તા.ઈડર)

રોનક મુકેશભાઈ સાધુ (રહે. ગીરધરનગર હિંમતનગર)ની તા.20-12-21ના રોજ અટકાયત કરાઇ હતી.મુખ્ય આરોપી જયેશભાઈ ઈશ્વરભાઈ પટેલ (39) (રહે.ઊંછા તા.પ્રાંતિજ તથા માધવ બંગ્લોઝ, વિશ્વકર્મા મંદિર પાછળ ધાનેરા બ.કાં.) ને ગાંધીનગર એલસીબીએ સોમવારે રાત્રે આઇ -20 કાર સાથે ગાંધીનગરમાંથી ઝડપી પાડી સા.કાં. પોલીસને સોંપ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 14 શખ્સોની અટકાયત થઈ છે.

વિશ્વસ્ત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર બહાર આવ્યું હોવાની પોલીસે જાહેરાત કરી છે તે પ્રિન્ટિંગ પ્રેસના પુરોહિત નામના શખ્સ વિરુદ્ધ ભૂતકાળમાં યુનિવર્સિટીનું પેપર લીક થવાના મામલે ગુનો દાખલ થયો હતો અને એક મહિના જેવું જેલમાં પણ રહી આવ્યાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પસંદગી મંડળે પેપર છપાવવા આ પ્રિન્ટીંગ પ્રેસની જ પસંદગી કેમ કરી તે બાબત શંકાસ્પદ બની રહી છે.

(4:44 pm IST)