Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ગાંધીનગર નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાંદખેડાના વૃદ્ધનુ ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે અડાલજ-ઝુંડાલ રોડ ઉપર અજાણ્યા વાહનની અડફેટે બાઈક ઉપર જઈ રહેલા ચાંદખેડાના વૃધ્ધનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજયું હતું. અકસ્માતની આ ઘટના અંગે વૃધ્ધના પુત્રની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી ફરાર થઈ ગયેલા વાહનચાલકને પકડવા દોડધામ શરૃ કરી છે.   

ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો અકસ્માત ઝોન બની ગયા છે. અકસ્માતની ઘટનાઓમાં વાહનચાલકો ફરાર થઈ જવાના બનાવો પણ વધ્યા છે અને પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયા બાદ આવા વાહનચાલકોને પકડવામાં પણ નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે. હીટ એન્ડ રનની વધતી જતી ઘટનાઓ વચ્ચે ગઈકાલે સાંજે અડાલજ ઝુંડાલ માર્ગ ઉપર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર વૃધ્ધનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ચાંદખેડામાં આવેલી અનમોલ રેસીડેન્સીમાં રહેતા વૃધ્ધ જયંતિલાલ સોલંકી ગઈકાલે સવારના સમયે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે વિજાપુર ખાતે તેમનું બાઈક ન. જીજે-૦૧-એમયુ-૮૫૪૩ ઈને ગયા હતા. જયાંથી તેઓ સાંજે પરત ફરી રહયા હતા ત્યારે અડાલજ નર્મદા કેનાલ બ્રીજ પાસે અજાણ્યા વાહનચાલકે તેમના બાઈકને અડફેટે લીધું હતું અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ જ સમયે તેમની પત્નિએ ફોન કરતાં અન્ય વ્યક્તિઓ ફોન લીધો હતો અને અકસ્માતની ઘટના અંગે જાણ કરી હતી. પુત્ર નિલેશ સ્થળ ઉપર પહોંચ્યો હતો.જયાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જયંતિલાલને સારવાર માટે ગાંધીનગર સિવિલ લવાયા હતા. જયાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની આ ઘટના અંગે અડાલજ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

(6:24 pm IST)