Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

સીએમ સાથે મારી શુભેચ્છા મુલાકાત: પેપરલીક મામલે હાલ કોઈ જ ચર્ચા કરી નથી :અસિત વોરા

વિપક્ષ દ્વારા રાજીનામાની માંગ વચ્ચે અસિત વોરા સીએમ સાથે ચર્ચા કરવા માટે સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા.

અમદાવાદ : રાજયમાં પેપરલીક મામલે ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ વિપક્ષ કરી રહ્યો છે આ દરમિયાન અસિત વોરા સીએમ સાથે ચર્ચા કરવા માટે સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મુલાકાત બાદ તેઓએ જણાવ્યું છે કે સીએમ સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી અને પેપરને લઈ હાલ કોઈ ચર્ચા કરવામાં આવી નથી.

યુવરાજસિંહ જાડેજાએ પેપર ફૂટ્યું હોવાનો દાવો કર્યા બાદ અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે એક વોટ્સએપ મેસેજ આવ્યો છે પરંતુ તે પરીક્ષા પૂર્ણ થયા પછીનો હતો. હજુ સુધી કોઈ આધારભૂત પુરાવા મળ્યા નથી. અમારી પાસે આજદીન સુધી એકેય પુરાવો આવ્યો નથી.

વર્ષ 2019માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવાની ઘટના હજુ તાજી જ છે, ત્યારે ફરી 2021માં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું છે. આ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે. સરકાર પણ અસિત વોરાના બચાવમાં હોય તેવા આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.

16 ડિસેમ્બરના રોજ વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં આયોજીત વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલ સંબોધન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેઓએ પેપર લીક મુદ્દે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોઇના કહેવાથી કોઇને દૂર કરશે નહીં. સરકાર કોઇને છાવરતી નથી. સરકારે પેપરલીકની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ પ્રકરણમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે સરકાર માત્ર પોલીસ ફરિયાદ પુરતી કામગીરી નહીં કરે, પરંતુ દોષિતોને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી કાર્યવાહી કરશે. સરકાર પેપર લીક કેસમાં કોઈને નહીં છોડે. રાજ્ય સરકાર કોઈના કહેવાથી કોઈને દૂર નહીં કરે. સરકાર ક્યારેય પણ આવા લોકોને છાવરતાથી નથી અને રાજ્ય સરકાર પારદર્શક રીતે જ પરીક્ષાઓ લે છે. અસિત વોરા પ્રમાણિક રીતે કામ કરે છે.

(7:25 pm IST)