Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ગાંધીનગરના રાયપુર નજીક કેનાલમાં 4 યુવકો ડૂબ્યા : ફોટોગ્રાફી શૂટ કરવા જતાં ગોઝારી ઘટના

:અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના સરદાર ચોકના વિશ્વાસ ફલેટના યુવકો બર્થડેની ઉજવણી બાદ ફોટોગ્રાફી શૂટ કરવા જતાં 6 યુવાનો પૈકી 4 યુવાનો ડૂબ્યા

ગાંધીનગરના રાયપુર પાસેની કેનાલમાં ગોઝારી ઘટના બની છે. અમદાવાદના કૃષ્ણનગરના 6 યુવકો બર્થ ડેની ઉજવણી બાદ ફોટોશૂટ કરાવી રહ્યા હતા. જેમાંથી 4 લોકોના ડૂબી જતા ચકચાર મચી છે. ગાંધીનગર ફાયર વિભાગની ટીમે કેનાલમાં શોધખોળ હાથધરી છે

  આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા સરદાર ચોકના વિશ્વાસ ફલેટના યુવકો બર્થડેની ઉજવણી બાદ ફોટોશૂટ કરાવવા  ગાંધીનગરના રાયપુર પાસેની કેનાલ પર ગયા હતા. જ્યાં ઉજવણી દરમિયાન તે કેનાલના ઢાળ પર ઉતરી ફોટોશૂટ કરાવી રહ્યા તે સમયે અચાનક જ બેલેન્સ ગુમાવતાં 4 યુવકો કેનાલમાં પડી ગયા હતા. પાણીનું વહેણ એટલું વધારે હતું કે કેનાલમાં પડ્યા બાદ તરત જ ચારેય યુવાનો તણાઇ ગયા હતા.હજુ સુધી કોઈ પણ યુવકની ભાળ મળી નથી

ઘટનાની જાણ બાકી રહેલા 3 યુવકોએ ગાંધીનગર ફાયર વિભાગને કરી હતી.  તાબડતોબ ફાયર ટીમે ઘટના સ્થળે આવી પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી તણાઈ ગયેલા ચારેય યુવકોની શોધખોળ કરવા જાળ બીછાવી હતી. સાંજના સુમારે બનેલી આ ઘટનામાં હજુ સુધી પણ કોઈ યુવકનો પત્તો મળ્યો નથી. 4 લોકો ડૂબ્યાં હોવાની જાણકારી મળતા લોકોના ટોળે ટોળાં કેનાલ પર આવી ગયા હતા. કેનાલના પ્રવાહમાં ડૂબાયેલા યુવકોના પરિવારને ઘટનાની જાણ કરવામાં આવતા દૂ:ખનું આભ ફાટી પડ્યું છે. જોખમી સ્થળે ફોટોશૂટ ન કરવા વીટીવી આપને અપીલ કરી રહ્યું છે.

(8:57 pm IST)