Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

રાજપીપળાની સરકારી પ્રા.શાળામાં અભ્યાસ કરતી પાણીપુરી વેચનાર પિતાની દીકરી નેશનલ લેવલે ભાગ લેશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : વીર શ્યામજીકૃષ્ણવર્મા પ્રા.શાળા નં.૪ રાજપીપળા,તા નાંદોદ, જિ.નર્મદામાં અભ્યાસ કરતી કરિશ્માબેન શરમનસિંહ ખગાર નામની વિદ્યાર્થીનીએ સ્ટેટ લેવલે યોજાયેલી નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ-૨૦૨૧ દ્વારા આયોજીત સ્પર્ધામાં પ્રથમ વિભાગમાં કે જે નિરંતર ટકાઉ જીવન નિર્વાહ માટે ઇકો સિસ્ટમમાં પ્રથમ નંબર મેળવેલ છે. હવે આ દીકરી નેશનલ લેવલે ફેબ્રુઆરી-૨૦૨૨માં યોજાનારી સ્પર્ધામાં ભાગ લેશે જે ખુબ ગર્વની વાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા ચાલતા નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ તથા ગુજકોસ્ટ અને મંથન લોકવિજ્ઞાન કેન્દ્ર, રાજપીપળા-નર્મદાના કલ્પનાબેન રજવાડી તથા શાળાના આચાર્ય કલ્પેશભાઇ મહાજન તથા વિજ્ઞાન શિક્ષક મેહુલભાઇ પટેલે ખુબ જ મહેનત કરેલ છે.
શાળા દ્વારા આજરોજ સન્માન કાર્યક્રમ યોજ્યો હતો જેમાં શાળા તરફથી ૧૦૦૧ રૂ।. નું રોકડ ઇનામ તથા નાંદોદ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સુનિલભાઇ ચાવડા તરફથી ૫૦૧ રૂ। તથા શાળાના વિજ્ઞાન શિક્ષક મેહુલભાઇ તરફથી ૫૦૧ રૂ।. નું રોકડ ઇનામ આપેલ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિમિષાબેન વસાવાએ કર્યુ હતુ.

 અત્રે ઉલ્લેખનીય છે કે સ્લમ એરીયામાં રહેતી આ દીકરીના પિતાજી વાઘેથા અને કુંવરપુરા ગામમાં પાણીપુરી વેચે છે. આ સમગ્ર કામગીરીમાં માન. ડી.પી.ઇ.ઓ  જયેશભાઇ પટેલે પણ સારો સહકાર આપ્યો હતો.

(10:53 pm IST)