Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

અંકલેશ્વરની નાલંદા વિદ્યાલયમાં ગટરના ગંદા પાણીથી સરોવર રચાયુ :1200 વિધાર્થીને રજા આપી શાળા બંધ કરવા ફરજ પડી

સારંગપુરના વિસ્તારની સોનમ સુમૈયા સોસાયટીના સ્થાનિકો અને અન્ય શખ્શો વચ્ચેના વિવાદમાં દીવાલ તોડી પડાતા ચોકઅપ ગટરના ગંદા પાણી નાલંદા સ્કુલમાં ફરી વળતાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત

અંકલેશ્વરના સારંગપુર ગામે સોસાયટીની ચોંકઅપ ડ્રેનેજ અને 17 ફૂટ લાંબી દીવાલ તોડી પાડવાના પગલે ગટરના ગંદા પાણીથી નાલંદા વિદ્યાલયમાં ગંદા પાણીનું સરોવર રચાઈ જતા 1200 વિધાર્થીઓને રજા આપી શાળા બંધ કરવાની ગંભીર નોબત સામે આવી છે.

અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર સારંગપુરના વિસ્તારની સોનમ સુમૈયા સોસાયટીના સ્થાનિકો અને અન્ય શખ્શ વચ્ચેના વિવાદમાં દીવાલ તોડી પાડવામાં આવતા ચોકઅપ ગટરના ગંદા પાણી નાલંદા સ્કુલમાં ફરી વળતાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે.

 

અંકલેશ્વરના સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલ સોનમ સુમૈયા સોસાયટીના સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી ચોકઅપ ગટર ઉભરાતા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતાં. આ અંગે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવતા પંચાયત દ્વારા તેની સફાઈ કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા 5 દિવસથી સોનમ સુમૈયા સોસાયટી સ્થિત નાલંદા સ્કુલ પાસે ગટરના દુષિત પાણીને લઇ વિદ્યાર્થીઓને વારંવાર મુશીબતનો સામનો કરવો પડતો હતો. સોસાયટીની વર્ષો જૂની ડ્રેનેજ જામ થઈ જવા સાથે એક વ્યક્તિએ 17 ફૂટ લાંબી સોસાયટીની દીવાલ તોડી પાડતા ગટરના ગંદા પાણી નાલંદા સ્કૂલમાં ફરી વળ્યાં હતા.

નાલંદા સ્કૂલનું મેદાન ગટરના ગંદા પાણીના સરોવરમાં તબદીલ થઈ જતા શાળા સંચાલકોએ 1200 વિધાર્થીઓને સાવચેતીના પગલાં રૂપે રજા આપી દઇ શાળા બંધ કરી છે. એક તરફ શાળામાં ગટરના પાણી ફરી વળ્યાં છે ત્યાં ૨7મીથી શરૂ થતી પરીક્ષાને લઈ 1200 વિદ્યાર્થીઓના ભાવી ઉપર અસર થવાની શક્યતા વાલીઓએ વ્યક્ત કરી છે.

સ્કુલની દીવાલ પાસે માર્ગ અને મકાન વિભાગની જગ્યા ઉપર સ્થાનિક જોગી પટેલ નામના વ્યક્તિએ કરેલ દબાણ અંગે પણ વિવાદ સર્જાયો હતો, તેમ સોસાયટીના રહીશો અને વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. આ વિવાદને પગલે જોગી પટેલે દીવાલ તોડી નાખી હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. જે 17 ફૂટની દીવાલ તૂટી પડતા જ દુષિત પાણી સ્કુલમાં પ્રવેશી જતા ગંદા પાણીના તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ અંગેની જાણ કરાતા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને જેસીબી મશીન લગાવી ગટરની કામગીરી શરુ કરી બે દિવસમાં ગટર તૈયાર કરવાની હાલ તો ખાતરી આપી છે.

(10:24 am IST)