Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

હોળી - ધુળેટીમાં ફરવાનો ક્રેઝઃ બુકીંગ ૪૦% વધ્‍યું

ગોવા - આબુ - ઉદયપુર - કુંભલગઢ અમદાવાદીઓના ફેવરીટ સ્‍થળો

અમદાવાદ, તા.૨૪: આ વખતે બે દિવસનો હોળીનો તહેવાર ૭ અને ૮ માર્ચે સપ્‍તાહના મધ્‍યમાં આવતો હોવા છતાં ગોવા, માઉન્‍ટ આબુ, ઉદયપુર અને કુંભલગઢ જેવા ગુજરાત બહારના સ્‍થળોના બુકીંગમાં ભારે ઘસારો જોવા મળ્‍યો છે. ટ્રાવેલ અને ટુર ઓપરેટરો અનુસાર, ૨૦૨૨ની સરખામણીમાં આ વખતે હોળી પર બુકીંગમાં ૩૫ થી ૪૦ ટકાનો વધારો થયો છે.

ગયા વર્ષે હોળીનો તહેવાર વીક એન્‍ડમાં હતો અને કોરોના પ્રતિબંધોથી લોકોને છૂટકારો મળતા લોકોને બહાર ફરવા જવાનો ઉત્‍સાહ વધારે હતો. આ વખતે જો કે લોકોને માટે બહાર જવાનું કારણ અમદાવાદમાં વધી રહેલો તાપમાનનો પારો છે.

યુનિકોર્ન ટ્રાવેલ્‍સના ડાયરેકટર શ્રી રામ પટેલે કહ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે હોળી-ધુળેટી પર અમને ૩૫ થી ૪૦ ટકા વધારે બુકીંગ મળ્‍યા છે. પટેલ ટ્રાવેલ એજન્‍ટસ એસોસીએશન ઓફ ઇન્‍ડિયા (ટીએએઆઇ)ના રાષ્‍ટ્રીય ખજાનચી પણ છે, તેમણે વધુમાં ઉમેર્યુ, ‘આ વખતે હોળી દરમ્‍યાન લોકો બહાર જવાનું પસંદ કરી રહ્યા હોવાનું એક મુખ્‍ય કારણ અમદાવાદમાં વધી રહેલું તાપમાન છે.'

શહેરના એક બીઝનેસમેન મનીષ શાહે કહ્યું, ‘હોળીના થોડા દિવસ પહેલા અને ૨૨ કપલનું ગ્રુપ ગોવા જઇ રહ્યા છીએ. સામાન્‍ય રીતે અને માર્ચના અંતમાં ફરવા જતા હોઇએ છીએ પણ આ વખતે ગરમીના કારણે અમે હોળી પહેલા જ જવાનું નક્કી કર્યુ છે.વેન્‍ગાર્ડ હોલીડેઝના એમ ડી અને ટીએએફઆઇના ચેરમેન શૈલેષ અગ્રવાલે કહ્યું કે ઉદયપુર, માઉન્‍ટ આબુ અને કુંભલગઢ અમદાવાદીઓના પસંદગીના સ્‍થળો છે. તેમણે કહ્યું, આ સીઝનમાં લોકો ટુંકો પ્રવાસ પસંદ કરતા હોય છે અત્‍યારે શાળાઓની પરિક્ષા અને નાણાકીય વર્ષના એન્‍ડીંગનું પેપરવર્ક હોય છે. જો કે કોરોના મહામારી પછી ટ્રાવેલીંગમાં વધારો થઇ રહ્યો હોવાનો ઇન્‍કાર આપણે નહીં કરી શકીએ.

(12:04 pm IST)