Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

ગિરમાં સિંહોની સંખ્‍યા ૫૨૩ થી વધીને ૬૭૪ : વધુ બે લાયન સફારી પાર્ક વિકસાવાશે

વન પર્યાવરણ માટે કનુભાઇ દેસાઇની મહત્‍વની જાહેરાતો

ગાંધીનગર,તા. ૨૪: વિકાસની સાથે પર્યાવરણના જતન માટે વનોનું રક્ષણ અને સંવર્ધન જરૂરી છે. વન્‍ય પ્રાણીઓના સંરક્ષણ અને જતન માટે રાજયે નોંધપાત્ર કામગીરી કરેલ છે. છેલ્લી ગણતરી મુજબ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્‍ય તેમજ બૃહદ ગીર વિસ્‍તારમાં એશિયાઇ સિંહની સંખ્‍યા ૫૨૩ થી વધીને ૬૭૪ નોંધાયેલ છે, જે વિશ્વ કક્ષાએ આરક્ષિત પ્રજાતિઓના સંરક્ષણ ક્ષેત્રે એક વિક્રમ સમાન છે.

વનોના વિકાસ, સંવર્ધન અને સંરક્ષણની કામગીરી માટે રૂા.પ૧૨ કરોડની જોગવાઇ. વન વિસ્‍તારની બહારના વિસ્‍તારોમાં સામાજિક વનીકરણ માંટે રૂા.૩૫૩ કરોડની જોગવાઇ. વન્‍યપ્રાણી વ્‍યવસ્‍થા અને વિકાસ માંટે રૂા.૩૧૭ કરોડની જોગવાઇ. વળતર વનીકરણ તથા અન્‍ય વન વિકાસની કામગીરીઓ માટે રૂા.૨૦૪ કરોડની જોગવાઈ દરિત વસુંધરા પ્રોજેકટ, પાવન વૃક્ષ વાટીકા અને વૃક્ષોનું આવરણ વધારવાની વિવિધ યોજનાઓ માટે રૂા.૪૦ કરોડની જોગવાઈ. ગીર વિસ્‍તારના સંકલિત વિકાસના આયોજનના ભાગરૂપે ગીર અભયારણ્‍ય તેમજ વધુ બે લાયન સફારીનો વિકાસ કરવા માટે રૂા.૨૭ કરોડની જોગવાઇ. લોકોમાં વન અને પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિ લાવવા તેમજ લોકસમુદાયને તેમાં સક્રિય રીતે જોડવા માટે મિયાવાકી પદ્ધતિથી ૭૫ અર્બન ફોરેસ્‍ટ(વન કવચ)ના નિર્માણ માટે રૂા.૨૦ કરોડની જોગવાઇ.

દરિયાઇ સૃષ્ટિના સંવર્ધન, વાવાઝોડા સામે રક્ષણ અને દરિયાઇ કાંઠાના ધોવાણ અટકાવવા માટે કેન્‍દ્ર સરકારે મિષ્ટી કાર્યક્રમ હાથ ધરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત દરિયાકાઠાં પર ચેર વાવેતર અને પુનઃસ્‍થાપન માટે રૂા.૧૧ કરોડની જોગવાઈ. ઘાસ સંગ્રહ વધારવા માટે ઘાસ ગોડાઉન બાંધકામ યોજના હેઠળ રૂા. ર૮ કરોડની જોગવાઇ.

 

 

(4:07 pm IST)