Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ગાંવ - ગાંવ, શહર - શહર, ઘર-ઘર જનઅભિયાન કરે, લોકતંત્ર મજબૂત બનાકર ગુજરાત કા ઉત્‍કર્ષ કરે

૬૦ વર્ષમાં મતદારોમાં પાંચ ગણો વધારો : મતદાન ૪૮ થી ૭૧ ટકા

ધારાસભાની ચૂંટણીમાં સૌથી ઓછું ૪૮.૩૭ ટકા મતદાન ૧૯૮૦માં અને સૌથી વધુ ૭૧.૩૦ ટકા મતદાન ૨૦૧૨માં થયેલ : આ વખતે મહત્તમ મતદાનની આશા

રાજકોટ તા. ૨૬ : સમગ્ર દેશનું ધ્‍યાન ખેંચનારી ગુજરાત વિધાનસભાની ૮૯ બેઠકોના પ્રથમ ચરણના મતદાન આડે પાંચ દિવસ બાકી છે. વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો તથા સંસ્‍થાઓ અને લોકશાહીના ચાહકો દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે. ભૂતકાળમાં તમામ ચૂંટણીઓમાં ૪૮થી ૭૧ ટકા સુધીનું મતદાન થયું છે. આ વખતે મતદાનનો આંકડો ઉંચો જાય તેવી આશા છે.

૧૯૬૦ની ૧લી મેના રોજ રાજ્‍યની સ્‍થાપના થયા બાદ પ્રથમ ચૂંટણી ૧૯૬૨માં આવેલ. અત્‍યાર સુધીમાં ૧૪ વખત ધારાસભાની સામાન્‍ય ચૂંટણી થઇ ચૂકી છે. ૧૫મી ધારાસભાની રચના માટે તા. ૧ અને ૫ ના રોજ રાજ્‍યમાં મતદાન છે. ૧૯૬૨માં પ્રથમ ચૂંટણી વખતે ૯૫,૩૪,૯૭૪ મતદારો હતા. તે વખતે ૫૭.૯૭ ટકા મતદાન થયેલ. છેલ્લા ૬૦ વર્ષમાં મતદારોની સંખ્‍યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. મતદાનની ટકાવારીમાં વધારો-ઘટાડો નોંધાતો રહે છે. અત્‍યાર સુધીમાં સૌથી ઓછું ૪૮.૩૭ ટકા મતદાન ૧૯૮૦માં થયેલ તે વખતે ૧,૬૫,૦૧,૩૨૮ મતદારો હતા. ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ ૭૧.૩૦ ટકા મતદાન ૨૦૧૨માં નોંધાયેલ. તે વખતે ૩,૮૦,૯૯,૧૧૦ મતદારો હતા. છેલ્લે ૨૦૧૭માં ૪,૩૩,૧૪,૨૩૩ મતદારો નોંધાયેલ અને બે તબક્કાનું મળી સરેરાશ ૬૮ ટકા જેટલું મતદાન થયેલ.

૨૦૨૨ની આ વખતની ચૂંટણીમાં કેટલું મતદાન થાય છે તે તા. ૧ અને ૫ ડિસેમ્‍બરે ખ્‍યાલ આવશે. મહત્તમ મતદાન માટે ચૂંટણી પંચ સહિતની સંસ્‍થાઓ પ્રયત્‍નશીલ છે. લોકશાહીને મજબૂત કરવા લોકો મતનો અધિકાર ભોગવે તે જરૂરી છે. જે મતદારને કોઇ ઉમેદવાર પસંદ ન હોય તે નાપસંદગી દર્શાવવા ‘નોટા'નું બટન દબાવી શકે છે.

(11:03 am IST)