Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રાત્રી કફર્યૂમાં રાહતથી રેસ્ટોરાંના માલિકો ખુશઃ ધંધાને દોડતો કરવામાં મળશે મદદ

આઠ મહાનગરોમાં નાઈટ કફર્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કર્યો છેઃ જેનાથી રેસ્ટોરાં અને હોટેલના માલિકો ખુશ

અમદાવાદ, તા.૨૯: ગુજરાત સરકારે નાઈટ કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરતાં અમદાવાદમાં આવેલી રેસ્ટોરાં અને હોટેલના માલિકો આનંદમાં છે. નિર્ણયના માત્ર એક દિવસ પહેલા, ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસમાં ઘટાડો થયો હોવાનું કારણ આગળ ધરીને રાજયના હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ અસોસિએશને (HRA) કર્ફ્યૂને રાતેના ૧૦ વાગ્યાના બદલે મધરાતથી લાગુ કરવાની રજૂઆત કરી હતી.

અમદાવાદમાં રેસ્ટોરાં ધરાવતાં દિલીપ ઠક્કરે જણાવ્યું હતું કે 'કફર્યુમાં મળેલી એક કલાકની રાહત, રેસ્ટોરાંને તેના ધંધાને પુનજીર્વિત કરવામાં ઘણી મદદ કરશે'.

ગુજરાત એચઆરએના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે 'રાતે ૧૦ વાગ્યા સુધીના કર્ફ્યૂના કારણે, રેસ્ટોરાંને ૯ વાગ્યે જ વોક-ઈન બંધ કરવાની ફરજ પડતી હતી અને તેથી ગ્રાહકોની સંખ્યા પણ ઘટી હતી. કર્ફ્યૂના સમયમાં ઘટાડો થતાં ધંધામાં વધારો વધશે'. હોટેલના માલિકોનું કહેવું હતું કે, ૮૫ ટકા ડાઈન-ઈન બિઝનેસ સાંજના સમયે જ થાય છે, પરંતુ કર્ફ્યૂના કારણે ગ્રાહકો ઓછા આવતા હતા.

એચઆરએ ગુજરાતે લગ્ન પ્રસંગમાં મહેમાનોની સંખ્યા વધારીને ૫૦૦ કરવાની પણ માગણી કરી હતી. લગ્ન તેમજ અન્ય સામાજિક પ્રસંગોમાં ૪૦૦ મહેમાનોને મંજૂરી આપવાનો સરકારનો આ નિર્ણય પણ રાહત બનીને આવ્યો છે, ખાસ કરીને કેટરર્સ અને હોટેલના માલિકો માટે.

સોમાણીએ જણાવ્યું હતું કે, મહામારીના કારણે કેટરિંગ અને બેકિવટ ઈન્ડસ્ટ્રીને ધંધામાં ૨ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નિર્ણયથી વેડિંગ ઈન્ડસ્ટ્રીને રાહત મળશે અને આ ધંધા સાથે સંકળાયેલા ઘણા નાના વેપારીઓને વેપાર મળશે.

(10:08 am IST)