News of Thursday, 29th July 2021
વડોદરાઃ સ્વીટી પટેલ મર્ડર કેસનો કોયડો 49 દિવસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉકેલી શકી હતી. પીઆઇ અજય દેસાઇએ તેની પત્ની સ્વીટી પટેલનું ગળુ દબાવીને કરેલી હત્યાના ચકચારી પ્રકરણમાં પોલીસ તપાસમાં રોજ નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. પોલીસ તપાસમાં અજય દેસાઈના મનસૂબાની અનેક એવી બાબતો સામે આવી રહી છે. FSL દ્વારા અજય દેસાઇના SDS ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક પ્રશ્ન પર અજય દેસાઈને પરસેવો છૂટી ગયો હતો, જેના પરથી તેની પોલ ખૂલી ગઈ હતી.
સ્વીટીને છેલ્લે ક્યારે મળ્યો હતો? જવાબ આપવામાં ફાફા પડ્યા
FSL માં અજય દેસાઈના શરીરના પરસેવાના આધારે ટેસ્ટ કરાયો હતો. જેમાં તેને અનેક સવાલો પૂછવામાં આ્વયા હતા. પરંતુ એક સવાલમાં અજય દેસાઈને પરસેવો છૂટી ગયો હતો. ટેસ્ટમાં તેને પૂછાયુ હતું કે, સ્વીટીને છેલ્લે ક્યારે મળ્યો હતો? આ જવાબ આપવામાં અજય દેસાઈને ફાંફા પડી ગયા હતા અને તેને પરસેવો આવી ગયો હતો. જેથી તે શંકાના ઘેરામાં આવી ગયો હતો. જેથી તેના હત્યારા હોવાની સાબિતી ખૂલી હતી. તો બીજી તરફ અજય દેસાઈએ પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવા પણ ના પાડી હતી, જેથી તે શંકાના દાયરામાં તો આવી જ ગયો હતો.
ઉલ્લેખનીય છે, સ્વીટી પટેલ મિસિંગ કેસમાં એફએસએલની ટીમની ભૂમિકા મહત્વની સાબિત થઈ છે. FSL દ્વારા SDS ટેસ્ટમાં અજય દેસાઈના અનેક ભેદ ખૂલ્યા હતા. ઈઝરાયેલની ખાસ SDS ટેકનોલોજી દ્વારા અજય દેસાઈનો ટેસ્ટ કરાયો હતો.
અજય દેસાઈએ બીજા લગ્નની વાત સ્વીટીથી છુપાવી હતી
તો બીજી તરફ, પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું કે, પીઆઇ દેસાઇએ તેના બીજા લગ્નની વાત પત્ની સ્વીટીથી છુપાવી હતી. સ્વીટી પટેલના ભાઇ જયદીપ પટેલે પોલીસને જણાવ્યું કે, સ્વીટી અજય દેસાઈના બીજા લગ્નના સમાચારથી અજાણ હતી. અજય દેસાઇએ તેને એવુ કહ્યું હતું કે, મારા લગ્નની વાત ચાલી રહી છે અને હજું માત્ર સગપણની વાત ચાલે છે. જો કે તે સમયે વાસ્તવમાં અજય દેસાઇના બીજા લગ્ન થઇ ચૂક્યા હતા. અજય દેસાઈના બીજા લગ્નનો ભાંડો ફૂટતા જ સ્વીટીએ પોતાના લગ્નને કાયદેસર માન્યતા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. આ કારણે બંને વચ્ચે તકરાર ચાલતી હતી.
સ્વીટીની લાશ પાસે બેસીને તેના નિકાલનો પ્લાન બનાવ્યો
લગભગ 12.30 વાગ્યાની આસપાસ અજય દેસાઈએ સ્વીટી પટેલની ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ આખી રાત પત્નીની લાશ પાસે બેસી રહ્યો હતો. આ દરમિયાન તેણે સ્વીટીની લાશનો કેવી રીતે નિકાલ કરવો તેનુ પ્લાનિંગ કર્યું હતું. પરંતુ સ્વીટીની હત્યાનું પ્લાનિંગ તેણે હત્યાના મહિના પહેલા કર્યુ હોવાનુ તપાસમાં ખુલાસો થયો છે. બનાવના 1 મહિના પહેલા જીલ્લા એસઓજી પોલીસના એક કોન્સ્ટેબલ પાસે પીઆઇ દેસાઇએ 5 લીટર કેમિકલનો કારબો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.