Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

નર્મદા જિલ્લામાં ૬૨૮ કેન્દ્રો ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી દ્રિ-દિવસીય ઝુંબેશ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ભારતના ચૂંટણી પંચ ધ્વારા જાહેર કરાયેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત તા.૧/૧/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષની વયની લાયકાતના ધોરણે મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, નામ કમી કરવા,નામ સરનામામાં જરૂરી સુધારો-વધારો કરવા તેમજ એક જ વિધાનસભા મત વિસ્તારમાં સ્થળાંતર થવાથી સરનામું બદલવા વગેરે જેવી કામગીરી મતદારોના ઘર નજીકના મતદાન મથકે ગઇકાલે અને આજે BLO ની હાજરીમાં આયોજિત દ્રિ-દિવસીય ખાસ ઝુંબેશની કામગીરી નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાના ૬૨૮ જેટલા બૂથ ખાતે BLO ની હાજરીમાં ઉક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ.હળપતિ અને ચૂંટણી શાખાના મામલતદાર શ્રીમતી કનકબેન ઠાકર ઉપરાંત પ્રાંત અધિકારી કે.ડી.ભગત,દિપક બારીયા અને અશોક ડાંગી તેમજ સંબંધિત મામલતદારો તથા જે તે વિસ્તાર માટે નિમાયેલા સુપરવાઇઝરોએ તેમના વિસ્તારના કેન્દ્રોની ગઇકાલે અને આજે મુલાકાત લઇ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું અને જરૂરી જાણકારી સાથેની વિગતો મેળવી હતી.
મતદારોને પોતાના ઘરની નજીકના મતદાન કેન્દ્રો ખાતે મતદાર યાદીમાં જરૂરી સુધારા-વધારા  માટેની આ પ્રકારની ખાસ ઝુંબેશના વિશેષ આયોજન બદલ કલ્પેશકુમાર શાહે ભારતીય ચૂંટણી પંચ અને નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

(11:10 am IST)