Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

શનિવારે ખગ્રાસ સૂર્યગ્રહણઃ ભારતમાં નહીં દેખાય

વિશ્વના અમુક પ્રદેશોમાં ખગ્રાસ બાકીના પ્રદેશમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે : વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરાશે

રાજકોટ,તા. ૨૯ : દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં શનિવાર તા. ૪ ડિસેમ્બરે અમુક પ્રદેશો-દેશોમાં ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ. વિશ્વના વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરશે. તેમ ભારત જનવિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની યાદીમાં જણાવેલ છે.

આ ગ્રહણ એન્ટાર્કટીકામાં ખગ્રાસ અને દક્ષિણ આફ્રિકા, દક્ષિણ એટલાન્ટીકામાં ખંડગ્રાસ સ્વરૂપે અદ્દભૂત અલૌકિક નજારો જોવા મળશે. ભારતમાં ગ્રહણ સંબંધી વૈધાદિ નિયમો, સુતક-બુતક વર્તમાન સમયમાં અપ્રસ્તુત, અવૈજ્ઞાનિક સાથે બોગસ છે. ભારત જન વિજ્ઞાન જાથાની કચેરી દેશભરમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજ સાથે સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કરી લેભાગુઓની આગાહીઓ, ફળકથનોની હોળી કરશે.

વર્ષ ૨૦૨૧નું આખરી છેલ્લુ ગ્રહણ નિહાળવા વૈજ્ઞાનિકો, ખગોળપ્રેમી થનગની રહ્યા છે. આ ગ્રહણ ભારતમાં લોકોને જોવા મળશે નહિ. ટી.વી. ઇન્ટરનેટ માધ્યમમાંથી અદ્દભુત નજારો જોવા મળશે. એન્ટાર્કટિકામાં જબરી તૈયારીઓ ચાલી રહી છે.

ભૂમંડલે ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ : ૧૦ કલાક ૫૯ મિનિટ ૧૮ સેકન્ડ, ગ્રહણ સંમીલન : ૧૨ કલાક ૩૦ મિનિટ ૩ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૩ કલાક ૩ મિનિટ ૨૮ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન ૧૩ કલાક ૩૬ મિનિટ ૩૯ સેકન્ડ, ગ્રહણ મોક્ષ ૧૫ કલાક ૭ મિનિટ ૨૯ સેકન્ડ, ગ્રહણનું ગ્રાસમાન : ૧.૦૩૭ અને મધ્ય ૧ મિનિટ ૭ સેકન્ડ સ્થિરતા રહેશે.

જાથના જયંત પંડ્યાએ જણાવેલ છે કે ભારતભરમાં ગ્રહણ સમયે વૈજ્ઞાનિક સમજ સાથે ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવ્યુ છે. સદીઓ જુની માન્યતાનું ખંડન સ્થળ ઉપર કરવામાં આવશે. લેભાગુઓના ફળકથનોની હોળી કરવામાં આવશે. લેભાગુઓ પોતાની આજીવિકા-રોટલા માટે યેનકેન માનવીનું શોષણ કરે છે તેની સામે જાથા જાગૃતિ કાર્યક્રમો આપી નકારાત્મક, અવૈજ્ઞાનિક ફળકથનો, આગાહીઓની હોળી કરે છે. જેથી જાથાએ સમગ્ર દેશમાં જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.

રાજ્યમાં જાથાના કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, છોટા ઉદેપુર, ડાંગ આહવ, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, હિંમતનગર, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ-ભુજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગિરસોમનાથ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, તાપી વ્યારા, મહીસાગર, લુણાવાડ, ડીસા, ગાંધીધામ, અંજાર, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુા, કુંકાવાવ, બાબરા, લીંબડી સહિત અનેક તાલુકા મથકે આયોજનની તૈયારી ચાલી રહી છે.

જાથાના બિલડીના ખીમજીભાઇ બારોટ, દેવળાના બાબુભાઇ જાગાણી, ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, રાજુભાઇ યાદવ, જીવણભાઇ મીયાત્રા, રોમિત રાજદેવ, અરવિંદ પટેલ, વિનુભાઇ લોદરીયા, રૂચિર કારીઆ, ગૌરવ કારીઆ, શૈલેષ શાહ, હુસેનભાઇ ખલીફા, મગનભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, પ્રમોદ પંડ્યા, નિર્ભર જોષી, કિશોરગીરી ગોસાઇ, તુષાર રાવ, હરેશ ભટ્ટ, અનેક કાર્યકરો કાર્યક્રમનું સંકલન કરી રહ્યા છે.રાજ્યમાં જાથાની શાખાઓમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. મર્યાદીત સંખ્યામાં હોય આમંત્રિતો માટે જ રાખવામાં આવ્યુ છે. વિશેષ જાણકારી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

(3:29 pm IST)