Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગ્રામ પંચાયત ચૂંટણીઃ રોટેશન મુજબની જ બેઠકોનો જાહેરનામામાં ઉલ્લેખ કરવા તાકિદ : ઝોનલ ઓફિસર ઝડપથી નીમોઃ સ્ટાફને તાલીમ માટે આદેશો

કાયદો-વ્યવસ્થા અંગે તમામ પ્રાંતને જવાબદારીઃ કલેકટરની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ : ઉમેદવારોના એકરારનામા ફોર્મ ભર્યાના દિવસે જ વેબસાઈટ પર અપલોડ કરવા સૂચના

રાજકોટ, તા. ૨૯ :. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ કાર્યક્રમ મુજબ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૧નું જાહેરનામુ આજે બહાર પડયુ છે. આ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે કલેકટર રાજકોટની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારીશ્રીઓ સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આ મુજબના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.

ગ્રામ પંચાયત ચૂંટણીના જાહેરનામામાં કચેરી દ્વારા સરપંચ અને સભ્યોના રોટેશનના હુકમો કરેલ છે. તે રોટેશન મુજબની જ બેઠકો જાહેરનામામાં ઉલ્લેખ થાય તે અંગે ખાસ તકેદારી રાખવાની રહેશે.

ગ્રામ પંચાયત ચૂંટણીમાં ચૂંટણી અધિકારી અને મદદનિશ ચૂંટણી અધિકારીની નિમણૂંક પ્રાંત અધિકારીશ્રીએ કરવાની રહે છે. આ નિમણૂંક પામેલ ચૂંટણી અધિકારીશ્રી અને મદદનિશ ચૂંટણી અધિકારીશ્રીને ચૂંટણીના વિવિધ તબક્કાઓ અંગે જાણકારી આપવી અને સરકારશ્રીના તમામ ઠરાવો, પરિપત્રો વિગેરે તથા રાજ્ય ચૂંટણી આયોગના વખતોવખતના ઠરાવો, ચૂંટણી અંગેના પ્રતિકો તથા જાતિ અંગેનો લેટેસ્ટ ઠરાવ જે અત્રેની કચેરી દ્વારા તમામ મામલતદાર તથા પ્રાંત અધિકારીશ્રીને મોકલેલ છે તે ચૂંટણી અધિકારીશ્રીને પુરા પાડવાના રહેશે. મતદાન મથકની દરખાસ્ત નિયત કરેલા નમૂનાઓમાં ૩ (ત્રણ) નકલમાં તથા એક સોફટ કોપી સાથે શ્રૃતિ ફોન્ટમાં મોકલી આપવા સૂચના આપવામાં આવી હતી. મતદાન મથકો ફીઝીકલ રીતે તમામ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને જે તે ગ્રામ પંચાયતમાં નિમાયેલ ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીએ જાતે ચકાસી લેવાના રહેશે.

મતદાન મથકો પર સ્ટાફની નિમણૂક અંગેનું નિયત નમૂનાનું રજીસ્ટર ૨(બે) નકલમાં તૈયાર કરી કલેકટર કચેરીને મોકલી આપવા આદેશો કરાયા હતા.

 ગ્રામ પંચાયતમાં નિમાયેલા ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને કઇ જગ્યાએ ફોર્મ સ્વીકારવા તેમજ સ્વીકારેલા ફોર્મ કઇ જગ્યાએ રાખવાના થશે. તેમજ ફોર્મની ચકાસણી કઇ જગ્યાએ થશે તે તમામ બાબતો સાથે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સબંધીત ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી સાથે પરામર્શ કરી યોગ્ય  વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી.

 ચૂંટણી માટે રીસીવિંગ સેન્ટર, ડીસ્પેચીંગ સેન્ટર, મતગણતરી સેન્ટર અને સ્ટ્રોંગરૂમ તાત્કાલીક નિયત કરી તેની વિગતો દિવસ-૩ માં અત્રે મોકલી આપવી.

 મતદાન મથકોએ નિમાયેલા મતદાન સ્ટાફને તાલીમ આપવા માટે યોગ્ય તારીખ અને સ્થળની ગોઠવણી કરવી તેમજ અનુભવી અને જાણકાર કર્મચારીની માસ્ટર ટ્રેનર્સ તરીકે નિમણુંક કરવી.

 ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદારો બહોળી સંખ્યામાં મતદાન કરે તે માટે યોગ્ય રીતે મતદાર જાગૃતિ અંગે નોડલ ઓફીસરની નિમણૂંક કરવી તેમજ મતદાર જાગૃતિ અંગે કાર્યક્રમો યોજવાની સુચના આપવામાં આવી હતી.

 ચૂંટણી માટે યોગ્ય ઝોનલ રૂટો નકકી કરવા અને ઝોનલ ઓફીસરોની નિમણૂંક કરવા સુચના આપવામાં આવી હતી.

 જે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવે તેના એકરારનામા તે જ દિવસે રાજય ચૂંટણી આયોગે નિયત કરેલ વેબસાઇટ પર અપલોડ કરવાના થશે. ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ અને વોર્ડની સંખ્યા જોતાં ઉમેદવારી ફોર્મ્સ બહોળા પ્રમાણમાં આવવાની શકયતા રહેલી છે. જેથી એકરારનામાના સ્કેનીંગ કરવા અને અપલોડ કરવા માટે તાલુકા કક્ષાએ યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી. કોઇપણ સંજોગોમાં એકરારનામા અપલોડ કરવામાં વિલંબ ન થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી.

ઇ-ડેશબોર્ડ પર રાજય ચૂંટણી આયોગની સૂચના મુજબની ઓનલાઇન ડેટા એન્ટ્રી બાબત કરેલ વ્યવસ્થાની વિગતો તાત્કાલીક અત્રેની કચેરીને મોકલી આપવા સુચના આપવામાં આવી હતી.

 પ્રાંત અધિકારી કક્ષાએથી તમામ તાલુકાના પોલીસ અધિકારીશ્રીઓ અને જરૂર જણાયે રાજકીય પક્ષો સાથે ગ્રામ પંચાયત ચૂંટણી અંગે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે સમયાંતરે  મીટીંગોનું આયોજન કરવું તેમજ ગ્રામ પંચાયત ચૂંટણી તા. ૧૯-૧ર-ર૦ર૧ ના રોજ યોજાનાર છે તે સમય દરમિયાન પુરતો પોલીસ બંદોબસ્ત તથા વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જરૂરી આયોજન કરવા કલેકટરે આદેશો કર્યા હતાં. તથા મતદાનના દિવસે દર બે કલાકે મતદાનની ટકાવારીના આંકડા ઇ-ડેશબોર્ડ પર અપલોડ કરવા પણ કલેકટરે નિર્દેશ આપ્યો હતો.

(3:31 pm IST)