Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - VGGS ૨૦૨૨ના પૂર્વાર્ધ અવસરે સમિટ પહેલા વધુ ૧૪,૦૦૦ હજાર કરોડના સુચિત રોકાણોના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા

દર સોમવારે પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટરૂપે MOUની શૃંખલાની બીજી કડી સફળતાપૂર્વક પૂર્ણ: મુખ્યમંત્રી, ઉદ્યોગ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ: આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત હરેક ક્ષેત્રે દેશની પ્રગતિ-વિકાસમાં મોટુ યોગદાન આપવા તત્પર:ઉદ્યોગો સમયસર શરૂ થાય તે માટે સરકાર પક્ષે કરવાની થતી મદદમાં વિલંબ નહીં કરાય:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ :ગુજરાતને વિશ્વ સમુદાય સમક્ષ મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોતર નવા રેકોર્ડ સ્થાપી રહી છે.

આ સમિટની ફળશ્રૃતિએ ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફોર્મ બન્યું છે તેમા આગામી વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૨ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની થીમ સાથે યોજાશે.
આગામી જાન્યુઆરી ૨૦૨૨માં તા. ૧૦થી ૧૨ દરમ્યાન યોજાનારી આ ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકારે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રૂ. ૧૪૦૦૩.૧૦ કરોડના સુચિત રોકાણો અંગેના ૧૨ જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
આ સુચિત રોકાણોથી શરૂ થનારા ઉદ્યોગોમાં આગામી સમયમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળી એમ ૨૮,૫૮૫ લોકોને નવા રોજગાર અવસર પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ અવસરે સ્પષ્ટપણે કહ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે તેને આ વાઇબ્રન્ટ સમિટની ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
તેમેણે કહ્યું કે, ભારતના હરેક ક્ષેત્રની પ્રગતિ અને વિકાસમાં ગુજરાત મોટુ યોગદાન આપવા તત્પર છે.
  ભુપેન્દ્રભાઈ પટેલે જે ઉદ્યોગો માટેના સુચિત રોકાણ MOU થયા છે તે ઉદ્યોગો સમયસર શરૂ થાય તે માટે રાજ્ય સરકાર તરફથી આપવાની થતી મદદમાં સરકાર વિલંબ નહી દાખવે તેમ પણ ઉદ્યોગકારોને જણાવ્યું હતું.         
આ પ્રસંગે ઊદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી  કે. કૈલાશનાથન, ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમાર તથા ગુજરાત સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સહિત સિનિયર અધિકારીઓ અને ઉદ્યોગ સંચાલકો, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં કેમિકલ, ફાર્મા, API,  પેસ્ટિસાઇડ્સ,  ઇલેક્ટ્રીક વ્હીકલની બેટરી માટે કેમિકલ, પેઇંટ ફેક્ટરી, ડાય્ઝ એન્ડ ઇન્ટરમિડિયેટ  રસાયણો તેમજ એગ્રોકેમિકલ્સ, દવા ઊદ્યોગોની કંપનીઓ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
આ ઊદ્યોગો ગુજરાતમાં દહેજ, ભરુચ, વાપી, જઘડીયા, સાયખા, અંકલેશ્વર, સાણંદ, સહિત અન્ય સ્થળોએ ઔદ્યોગિક મૂડીરોકાણ કરશે.
 આ મૂડીરોકાણો દ્વારા "આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત"નું સ્વપ્ન સાકાર થશે. આ સમિટ દ્વારા બીઝનેસ તેમજ સમાજ માટે સર્વ સમાવેશક પ્રગતિનો માર્ગ ખૂલશે અને તેનાથી સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડી શકાશે.

(6:37 pm IST)