Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વડોદરા એન.સી.સી.ગ્રુપ નર્મદાના ખોળે નર્મદા અને કરજણનો કાંઠો ખૂંદશે અને સરદાર પ્રતિમાના દર્શન કરશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાષ્ટ્રીય તાલીમ પ્રવૃત્તિઓના ભાગરૂપે વડોદરા સ્થિત એન.એન.સી.ગ્રુપ વડામથક દ્વારા કેડેટસ માટે આયોજિત અને રાષ્ટ્રીય એકતા પ્રેરક સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શનની સાથે નર્મદા ખીણ પ્રદેશમાં પરિભ્રમણની સાથે પ્રકૃતિના ચમત્કારોના સાક્ષી બનવાની તક આપતા સરદાર પટેલ નર્મદા ટ્રેકને ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર ડી.એસ.રાવતે ગઇકાલે ટ્રેકીંગના ઇન્ચાર્જ કર્નલ નાગેન્દ્ર પિલ્લેની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા સ્થિત NCC એકેડમી, જીતનગર-રાજપીપલા ખાતેથી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, દર વર્ષે સાહસિકતા અને પ્રકૃતિ દર્શનની રાષ્ટ્રીય તાલીમના ભાગરૂપે તેનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ગુજરાત સહિત ૧૨ રાજ્યોના કેડેટસ ભાગ લઈ રહ્યાં છે.
તા.૧૩ મી ડિસેમ્બર ૨૦૨૧, સુધી ચાલનારા આ ટ્રેક હેઠળ તબક્કાવાર ૬૦૦ કેડેટ્સ ભાગ લેશે અને નર્મદા ખીણના જુનારાજ અનામત જંગલ અને કરજણ બંધ વિસ્તારમાં પરિભ્રમણ કરવાની સાથે સરદાર સાહેબના સ્ટેચ્યુના દર્શન કરીને તેમના જીવનમાંથી રાષ્ટ્રીય એકતા, સ્વદેશપ્રેમ અને એકતામાં બંધુતાની પ્રેરણા મેળવશે.
આ ટ્રેક યોજવાનો આશય તેમનામાં નેતૃત્વ શક્તિનું સિંચન કરવાની સાથે આત્મ વિશ્વાસ કેળવવાનો, શારીરિક સક્ષમતાની ચકાસણી કરવાનો, સમૂહ જીવનના લાભોથી તેમને વાકેફ કરવાનો છે. તેમના માટે જીવનમાં પરિવર્તન આણનારો અનુભવ બની રહેશે.તેની સાથે તેમને પ્રકૃતિના વારસા જેવા જંગલ,જીવ સૃષ્ટિને સાચવવાની દ્રષ્ટિ કેળવાશે અને લોક જીવનની પરંપરાઓ જાણવાની તેમને તક મળશે.

(10:17 pm IST)