Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વડોદરા નજીક ખટંબા ગામે ગૌચરની જમીનમાં કચરાપેટીમાં છુપાવેલ દારૂની બોટલો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી

વડોદરા:નજીક ખટંબા ગામે ગૌચરની જમીનમાં કચરાપેટીમાં છુપાવેલી દારૃની બોટલો પોલીસે ઝડપી પાડી હતી. આ ઉપરાંત વાસણાકોતરીયા ગામે પણ ઘરના આંગણામાં ખાડો કરી છુપાવેલો દારૃનો જથ્થો મળતા પોલીસે કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ખટંબામાં રહેતો આર્યન ઉર્ફે અજય કનુભાઇ ઠાકોર દારૃનો જથ્થો મંગાવીને પાંજરાપોળની પાછળ ગૌચરની જમીનમાં જૂની પડેલી કચરાપેટીઓમાં તેમજ આજુબાજુ છુપાવી રાખ્યો છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીએ ગઇરાત્રે દરોડો પાડી તપાસ કરતા કચરાપેટીમાં તેમજ આજુબાજુ મૂકેલા ખોખા નીચે સંતાડી રાખેલી દારૃની ૨૮૮ બોટલો મળી હતી. આ અંગે વરણામા પોલીસ  સ્ટેશનમાં ફરાર આર્યન ઠાકોર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

આ ઉપરાંત વડોદરા નજીક વાસણાકોતરીયા ગામે રહેતો યોગેશ જશવંતભાઇ સોલંકી દારૃનો જથ્થો મંગાવી પોતાના ઘરમાંથી વેચાણ કરે છે તેવી માહિતીના આધારે એલસીબીએ આજે સવારે દરોડો પાડી તપાસ કરતા યોગેશ સોલંકી ઘેર મળ્યો ન હતો. ઘરમાંથી ત્રણ થેલામાંથી દારૃનો જથ્થો મળ્યો હતો આ ઉપરાંત ઘરના આંગણામાં એક ખાડો કરેલો જણાતા તે ખાડો ખોદીને તપાસ કરતા અંદરથી દારૃ મળ્યો હતો. પોલીસે ૨૦૬ દારૃની બોટલો કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ યોગેશ સોલંકીની શોધખોળ હાથ ધરી છે.

(6:11 pm IST)