Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કરફયુમાં ૫ શખ્સોનો ડાન્સ કરતો વિડીયો વાયરલ

અમદાવાદના નિકોલ વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાનઃ બેરીકેટ પાસે ગાડી ઉભી રાખી બિન્દાસ બની ડાન્સ કરી રહયા છેકરફયુમાં ૫ શખ્સોનો ડાન્સ કરતો વિડીયો વાયરલ

અમદાવાદઃ  તા.૩૧, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ કંટ્રોલમાં આવી રહ્યા છે, ત્યારે મ્યૂકરમાઈકોસિસ સહિત ત્રીજા વેવની વાતો કરવામાં આવી રહી છે. તેમ છતાં લોકો સુધરવાનું નામ લઈ રહ્યા નથી.  આપણે સાવધાની રાખવાની જરૂર છે. આરોગ્ય વિભાગે તો સુરત, અમદાવાદ સહિત અનેક શહેરોમાં અત્યારથી હોસ્પિટલ અને ઓકિસજન માટે તૈયારીઓ આરંભી દીધી છે. તેમ છતાં લોકો આંખ આડે કાન કરી રહ્યા છે.

સરકાર અને તંત્ર કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું કહી રહી છે. પરંતું છેલ્લાં બે ત્રણ દિવસથી કોરોનાના નિયમોની ધજ્જીઓ ઉડતી હોય તેવા એક પછી એક વીડિયો સામે આવી રહ્યા છે. હાલ અમદાવાદમાં રાત્રિ કરફ્યૂના જાહેરનામાનું ઉલ્લંઘન થયું છે. નિકોલમાં યુવકોનો રસ્તા વચ્ચે ડાન્સ કરતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ બેરિકેટ પાસે ૫ જેટલા યુવકો ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે.

 મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં રાત્રિ કરફ્યૂનું પોલીસ ચુસ્તપણે પાલન કરાવતી જ હોય છે. તેમ છતાં અમુક લોકો નિયમોને નેવે મૂકી દે છે. શહેરમાં પોલીસ કમિશનરના કરફ્યુ અંગેના જાહેરનામાનો નિકોલમાં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અમુક તત્વો કાયદાના લીરેલીરા ઉડાડતા હોય તેવો એક સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારનો આ વીડિયો હોવાનું અનુમાન છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે નિકોલમાં ૫ જેટલા યુવાનો રાત્રિ કરફ્યૂમાં બહાર નીકળીને બેરીકેટિંગ આગળ ગાડી ઉભી રાખીને ડાન્સ કરી રહ્યા છે. આ પાંચેય શખ્સોને જાણે કાયદાનો ડર જ ના હોય તેમ બિદાસ્ત થઈને મોજમઝા કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ થોડા સમય પહેલા નિકોલમાં લાલકૃષ્ણ એપાર્ટમેન્ટના ખુલ્લા મેદાનમાં ડીજેના તાલે ડાન્સ સાથે ૫૦થી વધુ યુવકોએ તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી હતી. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ હતી. નિકોલ પોલીસે બે યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પોલીસ કર્ફ્યુના કડક અમલ દાવા કરી રહી છે તો બીજી તરફ મોડી રાત્રે કરફયુ હોવા છતાં આટલા બધા યુવકોએ ભેગા થઈ જન્મદિવસની ઉજવણી કરી હતી.

(1:16 pm IST)