Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ઇન્ડોનેશિયામાં 7.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં ફરી એક વખત જોરદાર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.6 માપવામાં આવી છે. અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS)એ આ માહિતી આપી છે. USGS એ અહેવાલ આપ્યો છે કે, ઇન્ડોનેશિયા અને પૂર્વ તિમોરના સમુદ્રની નીચે 7.6ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા ઈન્ડોનેશિયાના તુઆલ ક્ષેત્રના 342 દક્ષિણપૂર્વમાં અનુભવાયા હતા. યુરોપીયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે, ઈન્ડોનેશિયાથી 2000 કિલોમીટરથી વધુ દૂર ઓસ્ટ્રેલિયા અને પૂર્વ તિમોરમાં પણ આંચકા અનુભવાયા હતા. ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના કારણે ઈન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સીએ દેશમાં સુનામીની ચેતવણી જાહેર કરી હતી. જોકે, એજન્સીએ થોડા જ સમય બાદ એલર્ટ હટાવી લીધું હતું. આ પહેલા ઈન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રામાં ભૂકંપ આવ્યો હતો. તે દરમિયાન  ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ અહેવાલ આપ્યો હતો અને તેનું કેન્દ્ર 5.26 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 97.04 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. NCS પ્રમાણે તેની ઊંડાઈ 10 કિમી નોંધવામાં આવી હતી. 

(7:34 pm IST)