Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

મેક્સિકોમાં ભૂકંપના ઝટકા બાદ દીવાલ ધરાશાયી થતા એકનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: મેક્સિકોના પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં સોમવારે બપોરે એક વાગ્યે (ભારતીય સમય અનુસાર રાતના 11:30 વાગ્યે) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.6 નોંધવામાં આવી છે. અહીં કોલિમા રાજ્યના મંજાનિલો શહેરની એક દુકાનની દીવાલ ધરાશાયી થઈ છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે તેમજ કેટલીક ઈમારતોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. અહીં પશ્ચિમ કિનારે સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. આ સ્થળથી 500 કિમી દૂર રાજધાની મેક્સિકો સિટીમાં પણ આંચકા અનુભવાયા છે. રાજધાનીમાં કોઈ જાનહાનિની જાણકારી મળી નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મિચોઆકન રાજ્યમાં કોલકોમનથી 59 કિમી દક્ષિણમાં પ્રશાંત કિનારે જમીનથી 15 કિમી દૂર હતું. આ ભૂકંપ ત્યારે આવ્યો છે, જ્યારે લોકો 1985 અને 2017માં બે મોટા ભૂકંપને હજી ભૂલ્યા પણ નથી. 19 સપ્ટેમ્બર 1985ના રોજ મેક્સિકો સિટીમાં 8.1 તીવ્રતાના ભૂકંપથી 10 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા અને હજારો ઇમારતોને નુકસાન થયું. ચોંકાવનારી વાત એ છે કે 2017માં આ જ દિવસે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 370 લોકો માર્યા ગયા હતા.

(5:17 pm IST)