Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

સાંસદોની ટ્રેનની ટિકિટ પર ખર્ચ જાણીને ચોંકી જશો: છેલ્‍લા પાંચ વર્ષ નું ૬૩ કરોડનું બિલ રેલ્‍વે અે ફટકાર્યુ

વર્તમાન સાંસદોને પ્રથમ અેર કન્‍ડીશન (AC) શ્રેણી કે એગ્ઝિક્યૂટિવ શ્રેણીની તથા પૂર્વ સાંસદને AC-2 ટાયરમાં નિઃશુલ્‍ક મુસાફરીની યાત્રા મળે છે :MP ના RTI કાર્યકર્તાઅે માંગેલ માહિતી

નવી દિલ્‍હી : લોકસભાના હાલના અને પૂર્વ સભ્યોને ટ્રેનમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધાથી છેલ્લા 5 વર્ષમાં ખજાના પર 63 કરોડ રૂપિયાનો ભાર પડ્યો છે. સૂચના અધિકાર (RTI) હેઠળ મળેલી માહિતી મુજબ, કોરોનાની મહામારી દરમિયાન વર્ષ 2020-21માં લગભગ 2.5 કરોડ રૂપિયા આ પ્રકારની મુસાફરીમાં ખર્ચ થયા છે. હાલના સાંસદ રેલવેની પ્રથમ શ્રેણી એર કન્ડિશન શ્રેણી કે એગ્ઝિક્યૂટિવ શ્રેણીની નિઃશુલ્ક મુસાફરીની પાત્રતા રાખે છે. તેમના જીવન સાથી પણ શરત સાથે મફતમાં મુસાફરી કરી શકે છે.

પૂર્વ સાંસદ પણ પોતાના કોઈ સાથી સાથે AC-2 ટિયરમાં એકલા AC-1 ટિયરમાં નિઃશુલ્ક મુસાફરીની પાત્રતા રાખે છે. મધ્ય પ્રદેશના RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે આ બાબતે જાણકારી માગી હતી. તેના જવાબમાં લોકસભા સચિવાલયે જણાવ્યું કે, તેને વર્ષ 2017-18 અને વર્ષ 2021-22મા વર્તમાન સાંસદોની મુસાફરીના બદલામાં રેલવે તરફથી 35.21 કરોડ રૂપિયાનું બિલ મળ્યું છે. પૂર્વ સાંસદોની મુસાફરી માટે 26.82 કરોડ રૂપિયાનું બિલ મળ્યું છે.

RTI જવાબમાં કહેવામાં આવ્યું છે કે, સાંસદો અને પૂર્વ સાંસદોએ મહામારી પ્રકોપવાળા વર્ષ 2020-21મા રેલવેના પાસનો પણ ઉપયોગ કર્યો, તેનું બિલ ક્રમશઃ 1.29 કરોડ રૂપિયા અને 1.18 કરોડ રૂપિયા હતા. રેલવેએ વરિષ્ઠ નાગરિકો સહિત અલગ અલગ શ્રેણીના મુસાફરોને આપવામાં આવતી કેટલીક છૂટ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી કેટલાક વર્ગોમાં નારાજગી છે. વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી સબસિડી સમાપ્ત કરવાના પગલાંની નિંદા પણ થઈ છે.

રાજ્યસભાના સભ્યોને દર મહિને 2 લાખ 10 હજાર રૂપિયા મળે છે. તેમાં 20 હજાર રૂપિયા ઓફિસ ખર્ચ વગેરે માટે મળે છે. તો 1 લાખ 90 હજાર તેમની સેલેરી હોય છે. રાજ્યસભાના સભ્યોને ટ્રેન અને પ્લેનમાં ફ્રી મુસાફરી કરવાની સુવિધા મળે છે. તો રાજ્યસભાના સભ્ય PA કે અન્ય કોઈ એક સહાયકકર્મી માટે થર્ડ ACમાં મુસાફરી કરવાની સુવિધા મળે છે. રાજ્યસભાના સભ્યોને આવાસ અને વીજળી, પાણીનો ખર્ચ પણ સરકાર આપે છે. તેમને સરકાર (રાજ્યસભા સચિવાલય) તરફથી આવાસ અલોટ કરવામાં આવે છે કે પછી ખર્ચ આપવામાં આવે છે.

(6:00 pm IST)