Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કોરોનાને કારણે ગુજરાતમાં ૧૯૩૮ કંપનીઓ બંધ થઇ ગઇ

રાજ્યના ઉદ્યોગોને મોટો ફટકો : નાણાકીય કટોકટી અને માંગમાં ઘટાડાને કારણે કંપનીઓના શટર પડ્યા : એપ્રિલ ૨૦૨૦થી ૨૯ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન બંધ થઇ આ કંપનીઓ

નવી દિલ્હી,તા. ૩: કોરોના મહામારીની શરૂઆત બાદ ગુજરાતના ઉદ્યોગજગતને મોટો ફટકો પડ્યો છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ થવાને કારણે અને માગમાં ઘટાડાને કારણે અનેક કંપનીઓને પ્રોડકશન ઘટાડવું પડ્યું છે અથવા હંમેશા માટે કંપનીને બંધ કરવાનો વારો આવ્યો છે. કોરોનાની શરૂઆત એપ્રિલ ૨૦૨૦થી ૨૯ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન ગુજરાતમાં ૧૯૩૮ કપંપનીઓના શટર પડી ગયા છે. યુનિયન કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા પાર્લામેન્ટમાં આ ડેટા રજૂ કરવામાં આવ્યો હતો.

૧૯૩૮ કંપનીઓમાંથી ૩૫૩ કંપનીઓ ૨૦૨૦-૨૧ દરમિયાન અને ૧૫૮૫ કંપનીઓ એપ્રિલથી ૨૯ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન બંધ થઈ ગઈ હતી. નાની તેમજ માઈક્રો અને સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ કંપનીઓમાં નાણાની તંગીને કારણે બંધ થઈ ગઈ હતી. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીના સુત્રોએ જણાવ્યું કે, એમએસએમઈ સાથે ટ્રાવેલ અને ટુરિઝમની કંપનીઓ પણ કોરોનાને કારણે બંધ કરવી પડી હતી.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)ના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ પથિક પટવારીએ જણાવ્યું કે, લિકિવડિટીની અછતને કારણે જ ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો છે. નાના ઉદ્યોગો પાસે મોટું ભંડોળ હોતું નથી. પણ જયારે સરકાર ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ સાથે આવી ત્યારે એ કંપનીઓ કે જેમણે બેંક પાસેથી લોન લઈ રાખી હતી તેઓને ૩૦ ટકા વર્કિગ કેપિટલ ક્રેડિટ આપવામાં આવી હતી. પણ નાના ઉદ્યોગો કે જેઓ બેંકો હેઠળ આવેલ ન હતા તેઓને આ સ્કીમનો લાભ ન મળ્યો. અને કોરોનાએ આ કંપનીઓને મોટો ઝટકો આપ્યો હતો.

જીસીસીઆઈના ડેટા અનુસાર, એન્જિનિયરિંગ, ટેકસટાઈલ, ટ્રાવેલ અને ટુરિઝમ સેકટરની કંપનીઓ કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત થઈ હતી અને તેઓને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડ્યો હતો. ઓનલાઈન ઈ કોમર્સ કંપનીઓને કારણે રિટેલર્સનો ધંધો ઠપ્પ થઈ ગયો. અને ઈન્ડસ્ટ્રીના જાણકાર કહે છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં આ આંકડો વધવાની શકયતા છે.

એસોચેમ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન ચિંતન ઠાકરે જણાવ્યું કે, રો મટિરિયલના ભાવોમાં સતત વધારો અને ડિમાન્ડમાં ઘટાડો, કંપનીના સંચાલનનો ખર્ચ સહિતની વસ્તુઓએ અનેક કંપનીઓને અસર પહોંચાડી છે. બેંક દ્વારા અપાયેલ મોરાટોરિયમે ઈન્ડસ્ટ્રીને એક નાની વિન્ડો ઉપલબ્ધ કરાવી, પણ તે મુકિત ન હતી. અનેક કંપનીઓ કે જે ખર્ચને પહોંચી ન વળી તેમને કંપની બંધ કરવાનો વારો આવ્યો.

(10:15 am IST)