Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો

૨૦૧૯ પહેલાની ખાલી જગ્યાઓમાં પણ સવર્ણોને મળશે અનામતનો લાભ

નવી દિલ્હી તા. ૩ : વર્ષ ૨૦૧૯ પહેલાની ખાલી જગ્યાઓમાં પણ સવર્ણોને (આર્થિક રીતે નબળા) દસ ટકા અનામતનો લાભ મળશે. ભરતી પ્રક્રિયા જે દિવસથી શરૂ થાય તે સમયનો નિયમ લાગુ ગણાય છે. ઝારખંડમાં આસીસ્ટન્ટ એન્જીનિયરોની ૨૦૧૫ થી ૨૦૧૮ સુધીની નિમણૂંકોમાં સવર્ણો અનામતનો લાભ મેળવવા હકદાર છે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

આ સાથે જ જસ્ટીસ જોસેફ અને નરસિંહાની અદાલતે ઝારખંડ હાઇકોર્ટના એ આદેશને પણ યોગ્ય ગણાવ્યો જેમાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધીની ખાલી જગ્યાઓમાં સવર્ણોને અનામત આપવાનું કહેવાયું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ હુકમની વ્યાપક અસર પડશે એટલે કેસની સુનાવણીમાં દરેક કાયદાકીય પાસા પર ધ્યાન અપાયું છે. અદાલતે હાઇકોર્ટના આદેશને પડકારતી ઉત્તમકુમાર ઉપાધ્યાયની એસએલપી ફગાવી દીધી હતી.

જળસંસાધન વિભાગમાં આસીસ્ટન્ટ એન્જીનિયરોની ભરતી માટે ૨૦૧૯માં જેપીએસીએ જાહેરાત આપી હતી. આ નિમણૂંકોમાં વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ સુધીની ખાલી જગ્યાઓ સામેલ કરાઇ હતી અને સવર્ણોને દસ ટકા અનામત અપાઇ રહ્યું હતું. સરકારના આ આદેશને રંજીતકુમાર સિંહ અને અન્યએ સીંગલ બેંચમાં પડકાર્યો હતો. તેમાં કહેવાયું હતું કે, આ નિમણુંકોમાં ૨૦૧૫ થી ૨૦૧૯ સુધીની ખાલી જગ્યાઓ સામેલ છે. એટલે સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ ના આપી શકાય, કેમકે સરકારે ૨૦૧૯માં સવર્ણોને અનામતનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. સીંગલ બેંચે લાંબી સુનાવણી પછી જાહેરાતને એવું કહીને રદ્દ કરી દીધી કે નિયમ બન્યા પહેલાની ખાલી જગ્યાઓમાં અનામતનો લાભ ના આપી શકાય.

આ આદેશને સરકારે ખંડપીઠમાં પડકાર્યો હતો, તેના પર સુનાવણી કરતા હાઇકોર્ટની ખંડપીઠે નિમણૂંકોમાં દસ ટકા અનામતને યોગ્ય ગણાવીને સીંગલ બેંચના આદેશને રદ્દ કર્યો હતો. કોર્ટના આ આદેશને ઉત્તમકુમાર ઉપાધ્યાયે સુપ્રીમમાં અરજી કરીને પડકાર્યો હતો.

(10:18 am IST)