Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

વૈષ્ણોદેવી મંદિરે ઓનલાઇન બુકીંગ સાથે કટરામાં હાલ રજીસ્ટ્રેશન કાઉન્ટર ચાલુ જ રહેશે

માતા રાનીના ભકતો માટે શ્રાઇન બોર્ડે પોતાનો નિર્ણય બદલ્યો

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૪: વૈષ્ણોદેવીની યાત્રાએ આવનાર ભાવિકો માટે સારા સમાચાર છે. વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા પોતાના નિર્ણય ફેરવ્યો છે. હવે ઓનલાઇન બુકીંગની સાથે તત્કાલ ટીકીટ પણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

શ્રાઇન બોર્ડના અધિકારીઓએ જણાવેલ કે માતા વૈષ્ણોદેવીની યાત્રા માટે તત્કાલ રજીસ્ટ્રેશન કેન્દ્ર હાલ કાર્યરત રહેશે. યાત્રાના રજીસ્ટ્રેશન માટે સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયા કયારથી પ્રભાવી બનશે તે અંગે હાલ કોઇ સમય સીમા જાહેર કરાઇ નથી. જેથી શ્રધ્ધાળુઓ રજીસ્ટ્રેશન સેન્ટરથી યાત્રા માટે વૈષ્ણોદેવી ભવન માટે પાસ લઇ યાત્રા કરી શકશે.

સીઇઓ રમેશકુમારના જણાવ્યા મુજબ ૧૦૦ ટકા ઓનલાઇન રજીસ્ટ્રેશનનો નિર્ણય શ્રાઇન બોર્ડની હાઇ લેવલ કમીટીમાં લેવામાં આવ્યો છે, જે આવનાર દિવસોમાં પ્રભાવી બનશે. હાલ બેઝ કેમ્પ કટારાના રજીસ્ટ્રેશન કાઉન્ટર ખુલા રહેશે. આ દરમિયાન ભાવિકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે જાગૃત કરાશે. યાત્રા માટે રજીસ્ટ્રેશન અનિવાર્ય છે અને તેના વગર યાત્રા કરવાની પરવાનગી નથી. પહેલા ગ્રુપ ટોકન સીસ્ટમ હતી. જેમાં પોતાને આપેલ સમયે જ ટીકીટ મળતી, પણ હવે ભાવિકો ગમે ત્યારે રજીસ્ટ્રેશન કરાવી શકતા હોવાથી ભીડ એકઠી થાય છે.કટરાના હોટલ-રેસ્ટોરન્ટ એસો.ના પ્રમુખ રાકેશ વજીરે શ્રાઇન બોર્ડના સંપૂર્ણ રજીસ્ટ્રેશનના નિર્ણયનું સ્વાગત કરતા જણાવેલ કે, આનાથી અચાનક ભીડ નહીં વધે અને ધકકામુકીની સ્થિતિ પણ નહીં ઉભી થાય. જો કે બેઝ કેમ્પના બધા રજીસ્ટ્રેશન કાઉન્ટર ચાલુ રાખવા જોઇએ. સાથે જ આ કાઉન્ટરની સંખ્યા વધારવી જોઇએ.ર૦રર ના પ્રથમ દિવસે જ માતા વૈષ્ણોદેવી ધામમાં ધકકા મુકી થતા ૧ર ભાવિકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારબાદ શ્રાઇન બોર્ડે ઉપરાજયપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં હાઇ લેવલે બેઠક બોલાવેલ અને તેમાં ભાવિકોની ભીડને કાબુ કરવા અને રજીસ્ટ્રેશન સંપૂર્ણ ઓનલાઇન કરવાના નિર્દેશ અપાયા હતા. જો કે આ વ્યવસ્થા કયારથી લાગુ થશે તે અંગે સ્પષ્ટતા નથી કરવામાં આવી.

(2:38 pm IST)