Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

KBC-14: ઇનામ વધ્‍યુ પણ જીતવાની શક્‍યતા ઘટી : થયા મોટા બદલાવ

પ્રેસ કોન્‍ફરન્‍સમાં કરાયા ગેમના નિયમો વિશે ખુલાસા

મુંબઇ,તા. ૪ : કૌન બનેગા કરોડપતિની ૧૪મી સિઝન, ૭ ઓગસ્‍ટથી શરૂ થશે અને પહેલા એપિસોડમાં આમિર ખાન હોટ સીટ પર હશે. તો બીજા એપિસોડથી દેશના કેટલાક જાણીતા ચહેરા પણ શોમાં અમિતાભ બચ્‍ચન સામે હોટ સીટ પર જોવા મળશે. જોકે, આ વખતે ગેમના નિયમોમાં મોટા બદલાવ કરવામાં આવ્‍યા છે. ગેમમાં લાઇફલાઇન ઘટાડવામાં આવી છે, જયારે જેકપોટની રકમ વધારવામાં આવી છે. આજે આયોજિત એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં મેકર્સે આ માહિતી આપી હતી.

સ્‍પર્ધકોને હવે કૌન બનેગ કરોડપતિમાં ચારની જગ્‍યાએ માત્ર ત્રણ લાઇફલાઇન આપવામાં આવશે. બીજી તરફ જેકપોટની રકમ સાત કરોડથી વધારીને ૭.૫ કરોડ કરવામાં આવી છે. એટલે કે ગેમમાં ઇનામ વધ્‍યું છે, પરંતુ જીતવાની શક્‍યતા ઘટી ગઈ છે. ઉપરાંત ૭૫ લાખ પર પણ એક પડાવ આપવામાં આવ્‍યો છે.

કેબીસી પણ આ વર્ષે આઝાદીના અમૃત મહોત્‍સવ ઊજવી રહ્યો છે. આ વખતે શોમાં દેશના જાણીતા ચહેરા જોવા મળશે. ઉદ્યોગસાહસિકો, નાયબ કલેક્‍ટર, પ્રોફેસરો, યુટ્‍યુબર, લેખક અને આર્મી ઓફિસર શોમાં સહભાગી થવા જઈ રહ્યા છે. મિતાલી મલ્‍હોત્રા જેઓ ગેલેન્‍ટ્રી પુરસ્‍કાર જીતનાર પ્રથમ મહિલા છે, તેઓ હોટ સીટ પર અમિતાભ સાથે આ ગેમમાં જોવા મળશે. ઉપરાંત મેરી કોમ અને સુનિલ છેત્રી પણ શોમાં જોવા મળશે.

મીડિયાને સંબોધતા અમિતાભ બચ્‍ચને જણાવ્‍યું કે ‘કોવિડના ૨ વર્ષ બાદ પ્રતિબંધો દૂર તથા બધાને રૂબરૂ મળીને ખૂબ આનંદ થયો. સ્‍પર્ધકો આ શોનું કેન્‍દ્ર છે. મારું કામ માત્ર પ્રશ્નો પૂછવાનું છે. KBC દ્વારા નવા લોકો અને તેમનું કામ દર્શકો સુધી પહોંચે તે ખરેખર ઉત્તમ છે.' 

(10:07 am IST)