Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

તરંગા બાઈક રેલીમાં સાંસદ મનોજ તિવારીએ કરી ભૂલ

૪૧ હજાર રૃપિયાનું ચલણ કપાયું : લાલ કિલ્લાથી નીકળેલી તિરંગા બાઈક રેલીમાં સાંસદ મનોજ તિવારી હેલમેટ વગર બાઈક ચલાવી રહ્યા હતા

નવી દિલ્હી, તા.૪ : લાલ કિલ્લાથી નીકળેલી તિરંગા બાઈક રેલીમાં બાઈક ચલાવવી ભાજપના સાંસદ મનોજ તિવારીને  ભારે પડી. વાત જાણે એમ છે કે તેઓ હેલમેટ વગર બાઈક ચલાવી રહ્યા હતા. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને દિલ્હી ટ્રાફિક પોલીસને મોકલી દીધો. ફરિયાદ મળતા ટ્રાફિક પોલીસે ઘટનાની તપાસ કરી તો સાચી ઠરી. ત્યારબાદ ટ્રાફિક પોલીસે સાંસદ મનોજ તિવારી પર ૪૧ હજાર રૃપિયાનું ચલણ ઠોકી દીધુ. દિલ્હી ટ્રાફિક પોલીસના જણાવ્યાં મુજબ તિરંગા બાઈક રેલીમાં સામેલ થયેલા સાંસદ મનોજ તિવારી જ્યારે મોટરસાઈકલ ચલાવી રહ્યા હતા ત્યારે તેમણે હેલમેટ પહેરી નહતી. તે બાઈક પર ન તો પોલ્યુશન સર્ટિફિકેટ હતું કે ન તો હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ હતી. ઘટના સમયે મનોજ તિવારી પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહતું. આ બધી ખામીઓના આધારે ટ્રાફિક પોલીસે સાંસદનું ૨૧ હજારનું ચલણ કાપ્યું. આ સાથે જ બાઈકના મૂળ માલિક ઉપર પણ ૨૦ હજાર રૃપિયાનું ચલણ ઠોકીને તે પણ મનોજ તિવારીને જ પકડાવી દીધુ. આમ તિરંગા રેલીમાં સામેલ થવા બદલ સાંસદને કુલ ૪૧ હજાર રૃપિયાનું ચલણ લાગ્યું.

અત્રે જણાવવાનું કે દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે મોદી સરકારે ગત વર્ષથી આઝાદી કા અમૃત મહોત્સવ શરૃ કર્યો હતો. જે હેઠળ આ વખતે ૧૩ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધી દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો છે. આ અંગે જાગૃતતા વધારવા માટે સાંસદોએ બુધવારે દિલ્હીમાં તિરંગા બાઈક રેલી કાઢી. આ રેલીને ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ લીલી ઝંડી દેખાડીને રવાના કરી હતી. રેલીમાં અનેક મંત્રીઓ, સાંસદો અને વિધાયકોએ ભાગ લીધો. આ રેલીમાં એક બુલેટ પર સાંસદ મનોજ તિવારી પણ સામેલ થયા હતા.

રેલી બાદ તેમણે ટ્વિટર પર ફોટા અને વીડિયો નાખીને ફેન્સેને આ રેલી વિશે જણાવ્યું. તેમાં હેલમેટ વગર બુલેટ ચલાવતા જોઈને અનેક લોકોએ તેમને ટ્રોલ કર્યા અને દિલ્હી પોલીસ પાસે કાર્યવાહીની માંગણી કરી હતી.

ટ્રોલ થયા બાદ સાંસદ મનોજ તિવારીએ પોતાની ભૂલ બદલ ટ્વિટર પર માફી પણ માંગી અને કહ્યું કે તેઓ દિલ્હી ટ્રાફિકપોલીસની ઓફિસમાં જઈને ચલણ ભરશે. ત્યારબાદ તેઓ ટ્રાફિક પોલીસની ઓફિસે પહોંચ્યા. જ્યાં તેમણે ૪૧ હજાર રૃપિયાનું ચલણ જમા કરાવ્યું. મનોજ તિવારીએ પોતાના ફેન્સને અપીલ કરી છે કે આ પ્રકારની ભૂલ તેઓ ક્યારેય ન દોહરાવે અને હંમેશા હેલમેટ પહેરીને જ બાઈક ચલાવે.

(7:25 pm IST)