Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કપિલ સિબ્બલે કોંગ્રેસમાં આપ્યા ૩ કરોડ

૨૦૧૯ -૨૦માં કોંગ્રેસને મળ્યુ ૧૩૯ કરોડનું દાનઃ બસપા કહે છે.. અમને મળ્યુ માત્ર ૨૦,૦૦૦

નવી દિલ્હી,તા. ૫: કોંગ્રેસને ૨૦૧૯-૨૦માં ૧૩૯ કરોડ રૂપિયાથી વધારે દાન મળ્યુ હતું. પક્ષના સભ્યોમાં સૌથી વધારે દાન કપિલ સિબ્બલે આપ્યુ હતું. તેમણે પક્ષના ભંડોળમાં ત્રણ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

૨૦૧૯-૨૦માં કોંગ્રેસને મળેલ યોગદાનની રકમનો રિપોર્ટ ચૂંટણી પંચે જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, આઇટીસી અને તેની સાથે જોડાયેલી કંપનીઓએ ૧૯ કરોડ રૂપિયાનો ફાળો આપ્યો હતો. જ્યારે પ્રુડેન્ટ ઇલેકટોરલ ટ્રસ્ટે ૩૧ કરોડ આપ્યા હતા.

રાજકીય પક્ષો માટે કાયદા અનુસાર જરૂરી છે કે તે વીસ હજારથી વધુ રકમનુ દાન આપનાર વ્યકિતઓ અને સંસ્થાઓ અંગે માહિતી આપે. એક એપ્રિલ ૨૦૧૯થી ૩૧ માર્ચ ૨૦૨૦ દરમ્યાન ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ૧,૦૮,૦૦૦ રૂપિયા, કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલગાંધીએ ૫૪,૦૦૦૦ અને પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ ૫૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા.

તો બીજી તરફ બહુજન સમાજ પાર્ટીએ પોતાના યોગદાનની રકમના રિપોર્ટમાં જાહેર કર્યું છે કે તેને ૨૦,૦૦૦થી મોટી રકમનું કોઇ દાન નથી મળ્યું.

(10:23 am IST)