Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજકોટથી હરિદ્વાર ગયેલા ૫૦ પ્રવાસીઓ સુરક્ષિત

કુદરતી હોનારતે તબાહી મચાવી : પાણીના ધસમસતા પ્રવાહને જોતા કીર્તી નગર, દેવપ્રયાગ, મુની કી રેતી વિસ્તારોને એલર્ટ ઉપર રહેવાનું કહ્યું છે

રાજકોટ, તા. : ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતી હોનારતે તબાહી મચાવી છે. ઉત્તરાખંડના જોશીમઠ પાસે ચમોલીમાં ગ્લેશિયર ફાટતા ધોલીગંગા અને ઋષિ ગંગા પ્રોજેક્ટના લગભગ ૧૫૦ જેટલા લોકો પાણીના વહેણમાં તણાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહીનો દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તેના લીધે અલકનંદા અને ધૌલી ગંગા નદી રૌદ્ર રુપમાં વહી છે. પાણીના ધસમસતા પ્રવાહને જોતા કીર્તી નગર, દેવપ્રયાગ, મુની કી રેતી વિસ્તારોને એલર્ટ પર રહેવાનું કહ્યું છે. આસપાસના વિસ્તારને ખાલી કરવામાં આવી રહ્યા છે. લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકોટથી હરિદ્વાર ગયેલા ૫૦ કરતા વધારે પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર, ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટના વચ્ચે ગુજરાતના રાજકોટથી હરિદ્વાર ગયેલા ૫૦ જેટલા મુસાફરોનો બચાવ થયો છે. તમામ મુસાફરો સલામત છે અને મસૂરી જવા માટે રવાના થઈ ગયા છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાથી તેમના પરિવારજનોને હાશકારો થયો છે. હાલ રાજકોટના ૫૦થી વધુ પ્રવાસીઓ હરિદ્વારમાં છે. તમામ પ્રવાસીઓ હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ, મસૂરી ટ્રેકિંગ કેમ્પમાં ગયેલા પ્રવાસીઓનો સંપર્ક થઈ રહ્યો નથી. અહીં નોંધનીય છે કે, તપોવન ઋષિ ગંગા ગ્લેશિયર તૂટ્યાના સમાચારથી સતત પાણીનું સ્તર વધતું જઈ રહ્યું છે. હરિદ્વાર સુધીમાં એલર્ટ જાહેર કરી દીધું છે. ઉત્તરાખંડના ચમોલીમાં હિમનદીના વિનાશને કારણે ભારે તબાહી થઈ છે.

(12:00 am IST)