Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

સબ સલામતઃ બોમ્‍બ હોવાની અફવાઃ જામનગરથી વિમાન ટેકઓફ

મોસ્‍કોથી ગોવા જતા ચાર્ટર્ડ વિમાનમાંથી કોઇ શંકાસ્‍પદ ચીજ નથી મળીઃ ર૪૪ મુસાફરો સુરક્ષીત : ગઇકાલે રાત્રીથી આજે સવાર સુધી જુદી-જુદી એજન્‍સીઓ દ્વારા તપાસ કરાઇઃ એનએસજીની ટીમે પણ તપાસમાં ઝુકાવ્‍યું'તું

જામનગરમાં ફલાઇટનું ઇમરજન્‍સી લેન્‍ડીંગ બાદ ફાયર બ્રિગેડ એમ્‍બ્‍યુલન્‍સનો કાફલો તૈનાત કરાયો'તો

જામનગર : જામનગરમાં મેકસીકોથી ગોવા જતી ફલાઇટમાં બોમ્બ હોવાની અફવા ફેલાતા જામનગરમાં ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું અને ઍમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરાઇ હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ મુકુંદ બદીયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૦ :.. ગઇકાલે રાત્રીના મોસ્‍કોથી ગોવા જતી ચાર્ટર્ડ ફલાઇટમાં બોમ્‍બ હોવાની વાત જાહેર થતા જામનગર ખાતે ઇમરજન્‍સી  લેન્‍ડિંગ કરાયુ હતું. જો કે ગઇકાલ સાંજથી આજે સવારના  ૧૦ વાગ્‍યા સુધી સતત તપાસ કરવામાં આવ્‍યા બાદ કોઇપણ વાંધાજનક વસ્‍તુ ન મળતા આ વિમાને સવારે ટેક ઓફ કર્યુ હતું અને બોમ્‍બ હોવાની વાત માત્ર અફવા સાબિત થઇ હતી.

જામનગર કલેકટર ડો. સૌરભ પારધી, જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત અધિકારીઓના કાફલાએ સતત કાળજી પૂર્વક તપાસ કર્યા બાદ આ વિમાનને ઉડવા માટે લીલીઝંડી આપી હતી.

જામનગર એરપોર્ટ પર ગોવા જઇ રહેલી ઇન્‍ટરનેશનલ ફલાઇટનું ઇમરજન્‍સી લેન્‍ડીંગ થયું હતું. ફલાઇટમાં બોમ્‍બ હોવાની આશંકાએ આ ઇમરજન્‍સી લેન્‍ડીંગ કરવામાં આવ્‍યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ફલાઇટ મોસ્‍કોથી ગોવા જઇ રહી હતી. બોમ્‍બ હોવાની આશંકાને પગલે કલેકટર-પોલીસ વડા સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી ગયો. જામનગર એરપોર્ટ પર કોઇપણ વ્‍યકિતને જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હોવાનું પણ જાણવા મળ્‍યું છે.

મોસ્‍કો-ગોવા ચાર્ટર્ડ ફલાઇટમાં સવાર તમામ ર૪૪ મુસાફરો રાત્રે ૯.૪૯ વાગ્‍યે એરપોર્ટ પર સલામત રીતે ઉતારવામાં આવ્‍યા હતાં. તેમ જામનગર એરપોર્ટ ડાયરેકટરએ જણાવ્‍યું હતું.

ગોવા એટીસીને બોમ્‍બની ધમકી મળ્‍યા બાદ મોસ્‍કો-ગોવા ચાર્ટર્ડ ફલાઇટ ગુજરાતના જામનગર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરક્રાફટ આઇસોલેશન હેઠળ હતી તે એરપોર્ટ અધિકારીએ જણાવ્‍યું હતું.

ફલાઇટમાં બોમ્‍બે હોવાની અફવા બાદ ઇમરજન્‍સી લેન્‍ડિંગ કરવામાં આવ્‍યું છે. એરપોર્ટ પર ઉતર્યા બાદ મુસાફરોને ઉતાર્યા બાદ વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍કવોડ સ્‍થળ પર હાજર છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પણ પહોંચી ગઇ છે. આ અંગે એરપોર્ટ ઓથોરીટી દ્વારા સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્‍યું છે.

(11:27 am IST)