Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

રાજસ્થાનમાં શિક્ષક ભરતીનું પેપર લીક : ૪૬ ઉમેદવારો ઉપર આજીવન પ્રતિબંધ

જયપુર તા. ૧૦ : રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનની શિક્ષક ભરતી પરીક્ષાના પેપર લીક મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉદયપુરમાં પરીક્ષા દરમિયાન નકલ કરનાર ગેંગમાં સામેલ ૪૬ પરીક્ષાર્થીઓના આજીવન ભરતી પરીક્ષામાં સામેલ થવા પર રોક લગાવી દેવામાં આવી છે. પેપર લીકના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર બિશ્નોઈ અને સુરેશ ઢાકા વિરૃદ્ઘ પહેલા જ ધરપકડ વોરન્ટ જારી થઈ ચૂકયું છે.

ઉદયપુર પોલીસ ફરાર ચાલી રહેલા સુરેશ ઢાકા પર ૨૫ હજાર રૃપિયાનું ઈનામ જાહેર કરી ચૂકી છે. પેપર લીક થયા બાદ પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી હતી, જે હવે ૨૯ જાન્યુઆરીએ આયોજિત કરવામાં આવશે. પેપર લીક મામલે આરોપી ભૂપેન્દ્ર સારણ અને સુરેશ ઢાકા ફરાર ચાલી રહ્યા છે. એસપી વિકાસ શર્માએ જણાવ્યું કે દ્વિતીય શ્રેણી ભરતી પરીક્ષાના સંબંધમાં ૨૩ ડિસેમ્બરે બે કેસ નોંધવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૫૭ લોકોની ધરપકડ થઈ હતી, જેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આરોપીઓ પર એકશન સાથે જ રાજસ્થાન સ્ટાફ સિલેકશન બોર્ડને અનુરોધ કરવામાં આવ્યો હતો કે તમામ ૪૬ પરીક્ષાર્થીઓના આજીવન ભરતી પરીક્ષાઓમાં સામેલ થવા પર રોક લગાવવામાં આવે. ત્યાર બાદ પસંદગી બોર્ડે આ ૪૬ પરીક્ષાર્થીઓના ભરતી પરીક્ષામાં સામેલ થવા પર રોક લગાવી દીધી છે.

(3:58 pm IST)